અપડેટ@દિલ્હીઃ વડાપ્રધાન મોદી બ્રાઝિલિયન પ્રેસિડેન્ટ ડી સિલ્વાને મળ્યા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા. થોડી જ વારમાં બંને નેતાઓ બેઠક કરશે, જેમાં ઘણી વેપાર સમજૂતીઓ પર મહોર લાગી શકે છે.
આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યાપારી કરારોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે, જેમાં ક્રિટિકલ મિનરલ્સ, રેર અર્થ્સ, ડિફેન્સ, એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ છે.
આમાં ટ્રેડ ડીલ સહિત અનેક કરારોને અંતિમ સ્વરૂપ આપવાની સંભાવના છે. લુલા PM મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે. તેઓ 18-22 ફેબ્રુઆરી સુધી ભારતના રાજકીય પ્રવાસે છે. લુલા તેમના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. મોદી સાથે મુલાકાત કર્યા બાદ 22 ફેબ્રુઆરીએ તેઓ સિઓલ જવા રવાના થશે.
ભારત-બ્રાઝિલ સંબંધો પર લુલાએ કહ્યું કે બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર 15 અબજ ડોલર છે, જેને 30-40 અબજ સુધી વધારવો જોઈએ. તેઓ 260 બ્રાઝિલિયન ઉદ્યોગપતિઓ સાથે આવ્યા છે જેથી અંતરિક્ષ, સંરક્ષણ, ફાર્મા જેવા ક્ષેત્રોમાં ભાગીદારી થઈ શકે.
એરોસ્પેસ કંપની એમ્બ્રેયર ભારતમાં પ્લાન્ટ ખોલશે. બંને દેશો ગ્લોબલ સાઉથના સૌથી મોટા લોકતંત્ર છે અને ઉદાહરણ પૂરું પાડી શકે છે. લુલાએ આ વાત શુક્રવારે ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહી.

