અપડેટ@દેશ: હમાસે ઇઝરાયલના બંધકોને મારી નાખવાની ધમકી આપી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ગાઝામાં ઇઝરાયલના બંધકોના મૃતદેહ મળ્યા બાદ હમાસે ઈઝરાયલને ચેતવણી આપી છે. હમાસે કહ્યું છે કે જો ઈઝરાયલની સેના તેમના પર દબાણ કરવાનું બંધ નહીં કરે તો તેઓ બંધકોને મારીને શબપેટીમાં મુકીને ઇઝરાયલ મોકલી દેશે. હમાસે ધમકી આપતા કહ્યું કે તેણે તેના આતંકીઓને આ માટે પહેલેથી જ આદેશ આપી દીધા છે.
અલ જઝીરા મુજબ કાસિમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ કહ્યું કે જો ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ કોઈપણ સમજૂતી વિના સૈન્ય દબાણ લાવી બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરશે તો અમે બંધકોને શબપેટીમાં પરત કરીશું. હવે નિર્ણય પરિવારના હાથમાં છે કે તેમને બંધકોને જીવતા પાછા જોઈએ છે કે તેમના મૃતદેહો.
હમાસે કહ્યું કે બંધકોના મોત માટે નેતન્યાહુ અને તેમના દળો જવાબદાર છે. નેતન્યાહુએ કહ્યું છે કે હમાસની ટનલમાંથી જે છ બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમને પાછળથી માથામાં ગોળી મારવામાં આવી હતી. બંધકોને જીવતા પરત લાવવામાં સફળ ન થવા બદલ ઇઝરાયેલના PMએ દેશની માફી માંગી હતી.
"તેમણે કહ્યું- અમે ખૂબ જ નજીક પહોંચી ગયા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા. હમાસને આની ભારે કિંમત ચૂકવવી પડશે," તેમણે કહ્યું. હમાસના એક સીનિયર અધિકારીએ જણાવ્યું છે કે તે બંધકો ઇઝરાયલના હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યા હતા. તેમજ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે નેતન્યાહૂ બંધકોને મુક્ત કરવા માટે જરુરી પગલા ભરી રહ્યા નથી.
ખરેખરમાં, 31 ઓગસ્ટના રોજ ઇઝરાયલને ગાઝામાં હમાસની ટનલમાંથી 6 બંધકોના મૃતદેહ મળ્યા હતા. ઇઝરાયલની સેના IDFએ કહ્યું હતું કે સેનાનું ત્યાં પહોંચવાના થોડા સમય પહેલા જ હમાસે આ બંધકોને નિર્દયતાથી મારી નાખ્યા હતા.
IDFએ કહ્યું હતું કે તેમને આ વિસ્તારમાં 6 બંધકોની હાજરી વિશે માહિતી મળી હતી. જેના કારણે સેના ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહી હતી. આ દરમિયાન, તેઓએ હમાસની એક ટનલ શોધી કાઢી. અહીં તપાસ દરમિયાન બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા.
હમાસે કુલ ઇઝરાયલના 251 નાગરિકોને બંધક બનાવ્યા હતા. જેમાંથી 97 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં યુદ્ધવિરામમાં 105 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાં લગભગ 33 લોકોના મોત થયા છે.
ઇઝરાયલમાં 1 સપ્ટેમ્બરે બંધકોના મૃતદેહ મળ્યા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લગભગ 5 લાખ લોકોએ વિવિધ શહેરોમાં પ્રદર્શન કર્યું. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ રાજધાની તેલ અવીવમાં 3 લાખથી વધુ લોકો અને અન્ય શહેરોમાં 2 લાખથી વધુ લોકો એકઠા થયા હતા.
વિરોધીઓએ 6 હત્યા કરાયેલ બંધકોના મૃતદેહોના પ્રતીક તરીકે 6 તાબુત રાખ્યા હતા. વિરોધીઓ વડાપ્રધાન નેતન્યાહુ અને તેમની સરકાર પર બંધકોને મુક્ત કરવા માટે નક્કર પગલાં ન લેવાનો આક્ષેપ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો નેતન્યાહુએ યુદ્ધ રોકવા માટે સમજૂતી કરી હોત તો બંધકોને મુક્ત કરી શકાયા હોત. નેતન્યાહુ રાજકીય કારણોસર સમાધાન કરવા માંગતા નથી.