અપડેટ@દેશ: સ્ટાલિન નહીં માને એ ખબર હતી, છતાં વિપક્ષ ચેન્નઈ કેમ દોડ્યો ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોમવારથી સંસદનું વિશેષ સત્ર શરૂ થવાનું છે. એ પહેલા રવિવારે દેશના રાજકારણમાં મોટો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સહિત વિપક્ષના મોટા નેતાઓ સ્પેશિયલ પ્લેનમાં દિલ્હીથી સીધા ચેન્નઈ પહોંચ્યા. તેમનો એક જ મકસદ હતો - DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનને મનાવવા.
પરંતુ સવાલ એ છે કે, સ્ટાલિન નહીં માને એ પહેલેથી ખબર હતી, તો પણ વિપક્ષ ચેન્નઈ કેમ દોડ્યો?
*1. નંબર ગેમ ફસાઈ ગઈ હતી*
પરિસીમન બિલ એ સામાન્ય બિલ નથી, એ બંધારણ સુધારો છે. તેને પાસ કરવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી જોઈએ છે.
DMK પાસે લોકસભામાં 22 અને રાજ્યસભામાં 8 એમ કુલ 30 સાંસદ છે. જો DMK સરકારની સાથે જાય, તો સરકાર માટે બિલ પાસ કરવું સહેલું થઈ જાય. એટલે વિપક્ષ માટે આ છેલ્લી ઘડીનો પ્રયત્ન કરવો જરૂરી હતો.
*2. શનિવારે જ સ્ટાલિને યુ-ટર્ન લીધો હતો*
શનિવારે ચેન્નઈમાં DMK સાંસદોની બેઠકમાં સ્ટાલિને કેન્દ્રના નવા પરિસીમન બિલને સમર્થન આપવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. સ્ટાલિનનું કહેવું હતું કે, તમિલનાડુની બંને માગણી સ્વીકારી લેવાઈ છે. પહેલી, 1971ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યોનો હિસ્સો જળવાઈ રહેશે અને બીજી, બધા રાજ્યોની સીટો 50 ટકા વધશે.
આ સાંભળીને જ વિપક્ષની ઊંઘ ઉડી ગઈ હતી. જો DMK તૂટે તો NCP (શરદ પવાર) પણ તૂટે એવો ડર હતો. એટલે જ ચેન્નઈ પછી વિપક્ષના નેતાઓ સીધા મુંબઈ પણ ગયા, શરદ પવારને મળવા.
*3. સોનિયાને કેમ આગળ કરાયા?*
આ આખા પ્લાનની સૌથી મોટી ચાલ સોનિયા ગાંધી હતા.
રાહુલ કે ખરગે કહે તો એ રાજકારણ લાગે, પણ સોનિયા ગાંધી સ્ટાલિનના પિતા કરુણાનિધિની બહુ નજીક હતા. સ્ટાલિને બેઠકમાં જ કહ્યું હતું કે, "મારા મનમાં સોનિયા જી માટે બહુ સન્માન છે."
વિપક્ષને આશા હતી કે રાજકારણથી નહીં, તો ભાવનાત્મક સંબંધથી સ્ટાલિન પીગળી જશે. પરંતુ એવું થયું નહીં.
*4. રવિવાર સવાર સુધી કોઈને ગંધ કેમ ન આવી?*
આ પ્લાન એકદમ સિક્રેટ રાખવામાં આવ્યો હતો. રવિવાર સવારે 11 વાગ્યે વિપક્ષના નેતાઓ સ્પેશિયલ પ્લેનમાં દિલ્હીથી નીકળ્યા ત્યારે જ રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને પહેલી વાર આ વાત જાહેર કરી.
જો આ વાત પહેલા ખબર પડી જાત, તો સ્ટાલિન પહેલા જ ના કહી દેત અને મીડિયામાં વિપક્ષની ઈજ્જત જતી. ચેન્નઈમાં સ્ટાલિનના ઘર બહાર DMK કાર્યકરોએ 'કોંગ્રેસ ગો બેક' ના પોસ્ટર પણ લગાવ્યા હતા.
*અંતે શું થયું?*
અલવારપેટ સ્થિત સ્ટાલિનના ઘરે 1 કલાક 15 મિનિટ સુધી બેઠક ચાલી. પરંતુ સ્ટાલિને સ્પષ્ટ કહી દીધું - *"નો કોમ્પ્રોમાઈઝ, તમિલનાડુના હિત સાથે કોઈ સમજૂતી નહીં."*
DMK બિલને સમર્થન આપશે, એ વાત પર અડગ રહ્યું. વિપક્ષ ખાલી હાથે પાછો ફર્યો.

