અપડેટ@ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ NFSUમાં 11મી ઇન્ટરપોલ DFEG બેઠકનું ઉદ્ઘાટન કરશે

સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન ફાઈનાન્સિયલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન શરૂ કરાશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યનાં ગાંધીનગર શહેરમાં સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) વૈશ્વિક ફોરેન્સિક અને સાયબર સુરક્ષા ક્ષેત્રનું કેન્દ્ર બનવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજેએ અહીં યોજાનારી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપની 11મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વિશ્વના 47 દેશોના પ્રતિનિધિઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે.

વર્ષ 2022 બાદ બીજી વખત આ પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચનું આયોજન કરીને NFSU ફરી એકવાર વૈજ્ઞાનિક અને ટેકનોલોજી આધારિત ગુનાહિત તપાસ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ મજબૂત કરી રહી છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી પાંચ મહત્ત્વપૂર્ણ પહેલોનું લોકાર્પણ કરશે.

આ અંતર્ગત AI આધારિત નાણાકીય છેતરપિંડીની તપાસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફાઇનાન્શિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવશે, જે 360 ડિગ્રી દૃષ્ટિકોણથી ફાઇનાન્શિયલ ફ્રોડની તપાસ કરવામાં મદદરૂપ બનશે. સાથે જ દેશમાં પ્રથમ વખત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મીડિયા ફોરેન્સિક્સની શરૂઆત થશે, જ્યાં પત્રકારો અને મીડિયા વ્યાવસાયિકોને ફોરેન્સિક પત્રકારત્વ, ડિજિટલ કન્ટેન્ટ વેરિફિકેશન અને મીડિયા વિશ્લેષણ અંગે તાલીમ આપવામાં આવશે.

તે ઉપરાંત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્રાઇમ સીન મેનેજમેન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જે પરંપરાગત તપાસ પદ્ધતિઓ અને અત્યાધુનિક ફોરેન્સિક ટેકનોલોજી વચ્ચે સેતુરૂપ બની ગુનાની તપાસને વધુ અસરકારક બનાવશે.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એશિયાની પ્રથમ 'સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન' રહેશે. સંપૂર્ણ ડિજિટલ ફોરેન્સિક ક્ષમતાઓથી સજ્જ આ મોબાઇલ ફોરેન્સિક લેબોરેટરી 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ વિકસાવવામાં આવી છે. આ વાન સીધી ગુનાના સ્થળે પહોંચી ડિજિટલ પુરાવાઓની તાત્કાલિક પુનઃપ્રાપ્તિ, વિશ્લેષણ અને રિપોર્ટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે સાયબર ગુનાઓની તપાસ વધુ ઝડપી અને અસરકારક બનશે.

આ પ્રસંગે અત્યાધુનિક ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર સુરક્ષા ટેકનોલોજી સાથે જોડાયેલી 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓનું વિશેષ પ્રદર્શન પણ યોજાશે. અમેરિકાની Google, ઇઝરાયેલની Cellebrite, ઇટાલીની Amped, યુકેની Ditigo Global અને યુએઈની MH Service સહિતની કંપનીઓ પોતાની નવીન ટેકનોલોજી અને સાધનોનું પ્રદર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે, 15 જુલાઈના રોજ ઇન્ટરપોલના સહયોગથી NFSU ખાતે 'AI સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન' વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ વિશ્વભરના નિષ્ણાતો, તપાસકર્તાઓ, ફોરેન્સિક વ્યાવસાયિકો અને શિક્ષણવિદોને એક જ મંચ પર લાવી ગુનાહિત તપાસ અને ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રે નવીનતા, સહયોગ અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે.