અપડેટ@દેશ: ઇઝરાયલે સીરિયા પર હવાઈ હુમલો કર્યો, 7 લોકોના મોત

આ હુમલાઓનો ચોક્કસ જવાબ આપીશું.
 
અપડેટ@દેશ: ઇઝરાયલે સીરિયા પર હવાઈ હુમલો કર્યો,  7 લોકોના ના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયલે સોમવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના બે સીનિયર કમાન્ડર મોહમ્મદ રેઝા જહાદી અને મોહમ્મદ હાદી હાજી રહીમી માર્યા ગયા હતા. ઇઝરાયલે F-35 ફાઈટર જેટથી સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસની ઈમારત પર મિસાઈલ ઝીંકી હતી. આ હુમલામાં કુલ 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. સીરિયામાં ઈરાનના રાજદૂત હોસેન અકબરીને કોઈ ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે અમે આ હુમલાઓનો ચોક્કસ જવાબ આપીશું.

જેરુસલેમ પોસ્ટે ઈરાની પ્રેસને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલાના સમયે કમાન્ડર ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ બાબતે પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન ઇઝરાયલના ફાઈટર પ્લેન્સે હુમલો કર્યો હતો.

અહેવાલ મુજબ, બે કમાન્ડરો સિવાય IRGCના 5 અધિકારીઓ પણ હુમલામાં માર્યા ગયા છે. તેમાં હુસૈન અમાન ઈલાહી, મેહદી જલાલતી, મોહસીન સેદાઘાત, અલી અધબાબાઈ અને અલી સાલેહી રૂઝબહાનીનો સમાવેશ થાય છે.

ઈરાની એમ્બેસીએ આ હુમલાની નિંદા કરી છે. દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઇઝરાયલનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાઓ, કૂટનીતિના નિયમો અને વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે. સીરિયામાં ઈરાનના રાજદૂત હોસૈન અકબરીએ કહ્યું કે આ કદાચ પહેલીવાર છે જ્યારે ઇઝરાયલે અમારા દૂતાવાસની સત્તાવાર ઈમારત પર હુમલો કર્યો છે. આ ઈમારત પર અમે ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકનો ધ્વજ ફરકાવ્યો છે.

CNNના રિપોર્ટ અનુસાર ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ કહ્યું કે અમને પણ બદલો લેવાનો અધિકાર છે. અમે આ અંગે કેવી પ્રતિક્રિયા આપીશું તે નક્કી કરવામાં આવશે. જો કે, ઇઝરાયલે આ હુમલાઓને સીધા સ્વીકાર કર્યો નથી. ઇઝરાયલના સૈન્ય પ્રવક્તા એડમિરલ ડેનિયલએ જણાવ્યું હતું કે કોન્સ્યુલેટ અથવા દૂતાવાસની ઇમારત પર હુમલો થયો નથી.


આ પહેલા 28 માર્ચે પણ ઇઝરાયલે સીરિયાના અલેપ્પો શહેરમાં હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઇઝરાયલે ઈરાન સમર્થિત હિઝબુલ્લા સંગઠનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ હુમલામાં 38 લોકોના મોત થયા છે. આમાં હિઝબુલ્લાહના પાંચ સભ્યો પણ માર્યા ગયા હતા.

વોર મોનિટરના અહેવાલ મુજબ, સીરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઇઝરાયલે આ હુમલો લગભગ 1:45 વાગે કર્યો હતો. લગભગ 2 કલાક સુધી વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક આતંકી સંગઠનોએ ઇદલિબ શહેરમાંથી ડ્રોન હુમલા પણ કર્યા હતા. જોકે, ઇઝરાયલે હજુ સુધી આ હુમલાની પુષ્ટિ કરી નથી.


ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆતથી ઇઝરાયલની સેનાએ સીરિયામાં ઘણી વખત હવાઈ હુમલા કર્યા છે. જાન્યુઆરીમાં, ઈરાને દાવો કર્યો હતો કે ઇઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ઈમારત પર હવાઈ હુમલો કર્યો હતો.

ન્યૂયોર્ક ટાઈમ્સે ઈરાની મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે હુમલામાં 4 ઈરાની સૈન્ય સલાહકારો અને ઈરાની સેનાના સીરિયા માટેના ચીફ ઈન્ટેલિજન્સ ઓફિસર માર્યા ગયા હતા.


2011માં ગૃહ યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલે સીરિયામાં સેંકડો હવાઈ હુમલાઓ કર્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ ઈઝરાયેલે સીરિયા પર મિસાઈલો ઝીંકી હતી. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. જે વિસ્તારમાં આ હુમલો થયો છે ત્યાં સીરિયાની સુરક્ષા એજન્સી, ગુપ્તચર મુખ્યાલય અને સીનિયર અધિકારીઓના ઘર છે.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસના જણાવ્યા અનુસાર, તેઓ એવા સ્થળો પર હુમલો કરે છે જ્યાં આ ઈરાન તરફી જૂથોના હથિયારો મોટા પ્રમાણમાં રાખવામાં આવે છે. ઇઝરાયલના હવાઈ હુમલાઓ વારંવાર સીરિયન એર-ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવે છે.