અપડેટ@જામનગર: 9 વર્ષનો વિહાન 17,350 ફૂટ ઊંચું શિખર સર કરનાર દેશનો સૌથી નાનો પર્વતારોહક બન્યો

અભૂતપૂર્વ સિદ્ધિએ દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મોટા-મોટાના શ્વાસ ફૂલી જાય, ત્યાં તિરંગો લહેરાવ્યો.જામનગરનો 9 વર્ષનો વિહાન 17,350 ફૂટ ઊંચું શિખર સર કરનાર દેશનો સૌથી નાનો પર્વતારોહક બન્યો. જામનગરના માત્ર 9 વર્ષ અને 4 મહિનાના બાળ પર્વતારોહક વિહાન ચેતરીયાએ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં આવેલા 5,289 મીટર ઊંચા ટેકનિકલ ફ્રેન્ડશીપ શિખરને સફળતાપૂર્વક સર કરીને ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બનવાનો નવો રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપ્યો છે. અગાઉના 10 વર્ષ અને 2 મહિનાના રેકોર્ડને તોડીને પ્રતિકૂળ સંજોગો વચ્ચે મેળવેલી આ અભૂતપૂર્વ સિદ્ધિએ દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત પડકારજનક અને જોખમી ગણાતા ફ્રેન્ડશીપ શિખર પર વિજય મેળવવો એ સામાન્ય ટ્રેકિંગ નથી. આ પર્વતારોહણ માટે વિહાનને બરફ અને હિમનદી એટલે કે ગ્લેસિયર વિસ્તારમાં ચાલવાની કઠિન તાલીમ આપવામાં આવી હતી. અતિ વિષમ પરિસ્થિતિઓમાં દોરડા, આઈસ એક્સ અને ક્રેમ્પોન્સ જેવા વિશેષ પર્વતારોહણ સાધનોનો કુશળ ઉપયોગ કરીને તેણે પોતાની અસાધારણ ક્ષમતાનો પરિચય આપ્યો હતો.

આ કપરા મિશન દરમિયાન વિહાને માઇનસ ડિગ્રી તાપમાન, હાડ થીજવતી કાતિલ ઠંડી અને ઓક્સિજનની ઓછી માત્રા જેવા જીવલેણ પડકારોનો હિંમતભેર સામનો કર્યો હતો. બરફથી ઢંકાયેલા જોખમી માર્ગો અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ અડગ મનોબળ રાખીને તે આગળ વધતો રહ્યો અને અંતે શિખરની ટોચ પર પહોંચીને ગર્વભેર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

ખૂબ જ નાની ઉંમર હોવા છતાં વિહાન હિમાલય ક્ષેત્રના અનેક મુશ્કેલ પર્વતીય પ્રવાસો અને અન્ય શિખરો પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યો છે. બાળ પર્વતારોહણ ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરી રહેલો વિહાન આજે દેશના અન્ય બાળકો અને યુવાનો માટે સાહસ અને દ્રઢ સંકલ્પનું ઉત્કૃષ્ટ પ્રેરણાસ્ત્રોત બન્યો છે.

વિહાનની આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ બદલ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. તેની અદભુત સિદ્ધિને બિરદાવવા માટે રાજ્યની વિવિધ સામાજિક, શૈક્ષણિક અને રમતગમત સંસ્થાઓ તેમજ અગ્રણી નાગરિકો દ્વારા તેના પર અવિરત અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.