અપડેટ@કર્ણાટક: પથ્થરની ખાણમાં 40 ફૂટની ઊંચાઈએથી ખડક પડતાં 8 મજૂરોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કર્ણાટકમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે.કર્ણાટકના બેંગલુરુ સાઉથ તાલુકા વિસ્તારમાં આજે સવારે પથ્થરની ખાણમાં 40 ફૂટની ઊંચાઈએથી ખડક પડતાં બિહારના 8 મજૂરોના મોત થયા હતા. અકસ્માત સમયે ખાણમાં લગભગ 18 મજૂરો કામ કરી રહ્યા હતા.
આ અકસ્માતમાં અન્ય ઘણા મજૂરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રાહત-બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે. એ પણ જોવામાં આવી રહ્યું છે કે અન્ય કોઈ મજૂર તેની નીચે દટાયેલા તો નથી ને.
પોલીસના જણાવ્યા અનુસાર, તમામ મૃતકો દૈનિક મજૂર હતા અને સ્ટોન ક્રશર સાઇટ પર કામ કરી રહ્યા હતા. તમામ મૃતકો બિહારના રહેવાસી હતા. તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ખડક પડવાનું કારણ અને ખાણમાં સુરક્ષા ધોરણોના પાલનની તપાસ કરવામાં આવી રહી છે.
એક્સકેવેટર ચલાવી રહેલા પરશુરામે જણાવ્યું કે કામ શરૂ કરવા માટે તેઓ જેવી ઘટનાસ્થળે પહોંચ્યા અને મશીન ચાલુ કર્યું, ત્યારે જ પહાડનો એક ભાગ ધરાશાયી થઈ ગયો.
તેમણે કહ્યું કે હું ચોક્કસપણે કહી શકતો નથી, પરંતુ તે સમયે નીચે લગભગ 18 લોકો કામ કરી રહ્યા હતા. કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. અકસ્માત એટલો અચાનક થયો કે મજૂરોને બચવાનો મોકો જ ન મળ્યો.
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ખાણ સંચાલકોની જવાબદારી છે કે તેઓ ત્યાં કામ કરતા મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરે.
તેમણે કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરતી ખાણો સામે સરકાર કડક અને યોગ્ય કાર્યવાહી કરશે. આ સાથે, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મજૂરો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

