અપડેટ@મણિપુર: ઉખરુલમાં આત્મઘાતી હુમલામાં 2 જવાન શહીદ, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મણિપુરના ઉખરુલ જિલ્લામા ગઈકાલે નુન્ગશાંગ કોંગ નજીક 40 આસામ રાઇફલ્સના કાફલા પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આસામ રાઇફલ્સના બે જવાન શહીદ થયા હતા.
હુમલો ત્યારે થયો, જ્યારે જવાનો પોતાની ફરજ પૂરી કરીને શાંગશાક બટાલિયન હેડક્વાર્ટર તરફ પરત ફરી રહ્યા હતા. હુમલાખોરોએ અચાનક અત્યાધુનિક હથિયારો વડે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો અને જોરદાર વિસ્ફોટ કર્યા.
હુમલામાં વોરંટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સીએમ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તરત જ ઉખરુલ જિલ્લાના શાંગશાક સ્થિત આસામ રાઇફલ્સના નજીકના શિબિરમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો અને તેઓ શહીદ થયા. તેમના પાર્થિવ દેહને શાંગશાક સ્થિત આસામ રાઇફલ્સ કેમ્પ લઈ જવામાં આવ્યો છે.
ઘટનાના તરત જ બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને શોધખોળ અભિયાન શરૂ કર્યું છે.
ગ્રામજનોએ જણાવ્યું કે હુમલા પછી ઘણા કલાકો સુધી વિસ્તારમાં સતત ભારે ગોળીબારના અવાજો સંભળાતા રહ્યા, જેના કારણે સુરક્ષા દળો અને શંકાસ્પદ ઉગ્રવાદીઓ વચ્ચે લાંબા સમય સુધી અથડામણ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અત્યાર સુધી કોઈ ઉગ્રવાદીના મૃત્યુની અધિકૃત પુષ્ટિ થઈ નથી.
આ દરમિયાન, મણિપુરના ગૃહમંત્રી ગોવિંદદાસ કોન્થૌજામે હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે નુંગશાંગ કોંગમાં 40 આસામ રાઈફલ્સના કાફલા પર થયેલા હુમલાના સમાચારથી તેમને ખૂબ દુઃખ થયું છે.
તેમણે કહ્યું- આ પ્રકારની ઘટનાઓ ફક્ત તે શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડે છે, જેને આપણે બધા જાળવી રાખવા માંગીએ છીએ. આ દુઃખદ ઘટનાથી પ્રભાવિત જવાનો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ છે. ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હુમલાના દોષિતોને કાયદાના દાયરામાં લાવીને કડક સજા કરવામાં આવશે.
અન્ય એક ઘટનામાં, મણિપુરના કાંગપોકપી જિલ્લાના થિંગખોંગજાંગ કુકી ગામમાં ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક મહિલા અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલો ત્યારે થયો જ્યારે ગ્રામજનો રવિવારની પ્રાર્થના માટે સ્થાનિક ચર્ચમાં એકઠા થયા હતા.
સ્થાનિક રહેવાસીઓના મતે, હુમલાખોરોએ અત્યાધુનિક હથિયારોથી આડેધડ ગોળીબાર કર્યો અને ગામ પર બોમ્બ તથા વિસ્ફોટકો ફેંક્યા, જેનાથી ચારેબાજુ ભય ફેલાઈ ગયો. ભાગતા પહેલા હુમલાખોરોએ ગામના અનેક ઘરોને આગ ચાંપી દીધી.

