અપડેટ@દેશ: લેબનનમાં ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત

10 હજારથી વધુ ઘાયલ થયા છે. લેબનનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.
 
અપડેટ@દેશ: લેબનનમાં ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત

અટલ સમાચાર  ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  લેબનનમાં ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. 10 હજારથી વધુ ઘાયલ થયા છે. લેબનનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. ઇઝરાયલે છેલ્લા 10 દિવસમાં લેબેનન પર એરસ્ટ્રાઈક કરી 1100થી વધુ હુમલા કર્યા છે.

બીજી તરફ હિઝબુલ્લાએ પણ ગઈકાલે ઇઝરાયલ પર અનેક રોકેટ હુમલા કર્યા હતા. ઇઝરાયલના કિરયત શમોના વિસ્તારમાં રોકેટ હુમલામાં ઇઝરાયલના 2 નાગરિકો માર્યા ગયા હતા. જેમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 40 વર્ષની આસપાસ હતી. IDF અનુસાર, હિઝબુલ્લાહે વિસ્તારમાં લગભગ 20 રોકેટ હુમલા કર્યા હતા.

ગઈકાલે સાંજે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી. નેતન્યાહૂ અને બાઈડને ઓગસ્ટ પછી પહેલીવાર વાત કરી છે.

ઈરાન પર ઇઝરાયલના હુમલાની આશંકા વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બુધવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં યોજાઈ હતી.

સાઉદી અરેબિયાના સરકારી મીડિયા અનુસાર, આ મુલાકાત દરમિયાન બંનેએ મિડલ ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા કરી હતી. મુલાકાત પહેલા ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અરાકચી તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય મુદ્દાઓ અને લેબનન અને ગાઝામાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરશે.

સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા સમયથી બગડી રહ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ઈરાને આરબ દેશોને તેમની વિરુદ્ધ હુમલામાં લશ્કરી થાણાના ઉપયોગની મંજૂરી આપવા સામે ચેતવણી આપી હતી.

ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલેંટં બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયલ ઇરાન પર ચોક્કસ ઘાતક હુમલો કરશે. આ હુમલો ચોંકાવનારો હશે. ગેલેંટે કહ્યું કે ઈરાન ક્યારેય સમજી શકશે નહીં કે તેની સાથે શું થયું.

ખરેખરમાં, 1 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે ઈરાને ઇઝરાયલ પર 180 મિસાઈલો વરસાવી હતી. આ હુમલામાં ઇઝરાયલના 2 નાગરિકો પણ ઘાયલ થયા છે.

હુમલા બાદ ઇઝરાયલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ઈરાનને આ હુમલાનું પરિણામ ભોગવવું પડશે. અમારો પ્લાન છે અને અમારી ઈચ્છા મુજબ સમય અને સ્થળ નક્કી કરીને કાર્યવાહી કરીશું.

હુમલા બાદ ઈરાને કહ્યું હતું કે નસરાલ્લાહની શહાદતનો આ પહેલો બદલો છે. આ તો માત્ર શરૂઆત છે. ખરેખરમાં, 27 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો.

ઈરાનના 39 સાંસદોએ દેશની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને પત્ર લખીને પરમાણુ હથિયારોના વિકાસની માંગ કરી છે. અલજઝીરાના રિપોર્ટ અનુસાર, તેમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના સંરક્ષણ સિદ્ધાંતોમાં પરિવર્તનની જરૂર છે.

પત્ર લખનારા સાંસદોમાંના એક અખલાઘીએ કહ્યું કે આજે દુનિયામાં એક પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા, યુરોપિયન દેશ કે અમેરિકા પાસે ઈઝરાયલને રોકવાની તાકાત નથી. તેઓ ગમે તેટલો ગુનો કરી રહ્યા છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ બે દાયકા પહેલા એક ધાર્મિક આદેશ જારી કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે પરમાણુ શસ્ત્રો રાખવા એ ઈસ્લામ વિરુદ્ધ છે. જોકે ત્યારપછી ઈરાનમાં પરમાણુ હથિયાર બનાવવાની અનેક માંગણીઓ થઈ રહી છે.