અપડેટ@દેશ: હૈતીના મધ્ય વિસ્તારમાં ગેંગ હુમલામાં 70થી વધુ લોકોના મોત
જેમાં 10 મહિલાઓ, 3 બાળકો સામેલ, 3 હજાર લોકો જીવ બચાવવા ઘર છોડીને ભાગ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. કેરેબિયન દેશ હૈતીના મધ્ય વિસ્તારમાં ગેંગ હુમલામાં 70થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં 10 મહિલાઓ અને 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 16 લોકોની હાલત ગંભીર છે. રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સથી લગભગ 60 માઈલ દૂર પોન્ટ-સોન્ડે શહેરમાં ગુરુવારે સવારે 3 વાગ્યે હુમલો થયો હતો. 3,000 લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ઘર છોડી દીધું.
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આ હુમલો ગ્રાન ગ્રીફ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમની પોલીસ સાથે ગોળીબાર પણ થયો હતો, જેમાં ગેંગના બે સભ્યો ઘાયલ થયા હતા. ગ્રાન ગ્રીફે 45થી વધુ ઘરો અને 34 વાહનોને આગ લગાડી, લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી. વાસ્તવમાં, દેશમાં લગભગ 150 ગેંગ છે, જે રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સના નિયંત્રણ માટે એકબીજા સાથે લડી રહી છે. શેરીઓમાં લોહી વહેવું સામાન્ય બની ગયું છે.
હૈતીના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સુરક્ષાની સ્થિતિ અત્યંત નબળી છે, જેના કારણે લોકોને આરોગ્ય સેવાઓ અને અન્ય જરૂરી સહાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે સંયુક્ત રાષ્ટ્રના સંસાધનોનો ઉપયોગ કરીને રાહત આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં સીધું પહોંચવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
હૈતીની સ્થિતિને લઈને ઘણા દેશોએ સુરક્ષા દળોની સાથે આર્થિક મદદનું વચન આપ્યું છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 400 જેટલા સૈનિકો આવ્યા છે, જેમાંથી મોટાભાગના કેન્યાથી આવ્યા છે. હૈતીના વડા પ્રધાને ગયા મહિને કહ્યું હતું કે જો સંયુક્ત રાષ્ટ્ર ટૂંક સમયમાં તેના વચનો પૂરા નહીં કરે તો પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી શકે છે.