અપડેટ@દેશ: વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે,સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે

જ્યાં તેઓ મહિલાઓને સંબોધિત કરશે
 
અપડેટ@દેશ: વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે,સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે

 અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી આજે સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જે બાદ એરપોર્ટ ખાતે નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં તેઓ મહિલાઓને સંબોધિત કરશે અને સાંજે સાત વાગે રાજભવન પહોંચશે. 27મી તારીખે સવારે 9.30 કલાકે વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પુરા થવાના અવસર પર આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે.

સવારે 11.30 કલાકે છોટાઉદેપુરના બોડેલીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કરશે. બપોરે સાડા ત્રણ કલાકે વડોદરા એરપોર્ટ પર નારી વંદના કાર્યક્રમમાં મહિલાઓને સંબોધિત કરશે. ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, વડાપ્રધાન આજે સાંજે 6:00 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જ્યાં સંસદ અને વિધાનસભામાં 33% મહિલા અનામત રાખવામાં પસાર કરેલા ખરડા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા ભવ્ય કાર્યક્રમનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 

આ અભિવાદન અમદાવાદ એરપોર્ટ પર આવેલા ગુજસેલ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં કરવામાં આવી છે. અચાનક જ નકકી થયેલા આ કાર્યક્રમને આગેવાનો ધારાસભ્યો સાંસદો મહિલા એકત્રિત કરવામાં કામે લાગી ગયા છે. આ દરમિયાન જાહેર સભાના રૂપમાં વડાપ્રધાન મહિલાઓને સંબોધન કરશે આ માટે ગુજસેલ બિલ્ડીંગ નજીક આલિશાન સમિયાણો ઊભો કરવામાં આવી રહ્યો છે. સંમેલનમાં અંદાજે 20,000 જેટલી મહિલા કાર્યકર્તાઓ એકત્રિત કરવા સ્થાનિક આગેવાનોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર તેમજ મહેસાણાથી મોટી સંખ્યામાં મહિલાઓ આવશે.

તા.27મીએ સવારે 10થી 11:30 દરમિયાન સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સબમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનો પ્રોગ્રામ થશે. સિક્યુરિટીના કારણોસર ટાગોર હોલ ખાતે કાર્યક્રમ યોજવાનું આયોજન છેલ્લી ઘડીએ માંડવાડ કરવામાં આવ્યું હતું. સાયન્સ સિટીમાં ગુજરાતભરના ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ દેશના દિલ્હી મુંબઈ ખાતેના એમ્બેસેડર પણ હાજરી આપશે આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. 

સાયન્સ સીટીથી સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે બોડેલી પહોચશે. ત્યાં 12:30થી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા સાડા ચારસો કરોડના વિવિધ પ્રોજેક્ટ લોન્ચિંગ કરવામાં આવશે અને બપોરે 2:00 વાગે તેઓ વડોદરા નવલખી મેદાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં મહિલા અનામતનો ખરડો પસાર કર્યા પછી મહિલા કાર્યકર્તાઓને આગેવાનો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંજે ચાર વાગ્યે તેઓ વડોદરાથી સીધા દિલ્હી જવા રવાના થશે તેવો પ્રાથમિક કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજભવન ખાતેના રાત્રી રોકાણ દરમિયાન વિવિધ રાજકીય તથા વહીવટી તંત્રની બેઠકનો દોર ચાલશે. જેમાં વડાપ્રધાન ફ્લેગશીપ કાર્યક્રમ હેઠળના પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં રિપોર્ટ મેળવવામાં આવશે તેમજ સંગઠન અને સરકારને લઈને કેટલીક બેઠકો કરવામાં આવશે જેમાં આગામી લોકસભાને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપવામાં આવશે.