અપડેટ@દેશ: પાકિસ્તાનમાં 4 દિવસથી મોંઘવારી અને વીજળીના ભાવ સામે વિરોધ પ્રદર્શન

 4 દિવસથી મોંઘવારી સામે વિરોધ

 
અપડેટ@દેશ: પાકિસ્તાનમાં 4 દિવસથી મોંઘવારી અને વીજળીના ભાવ સામે વિરોધ પ્રદર્શન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવાર વિરોધ પ્રદર્શનની ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ બાબતે વિરોધ પ્રદર્શન જોવા મળતું હોય છે.  પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 4 દિવસથી મોંઘવારી અને વીજળીના ભાવ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. વડા પ્રધાન શેહબાઝ શરીફે સોમવારે PoK માટે 23 અબજ પાકિસ્તાની રૂપિયા (718 કરોડ ભારતીય રૂપિયા)ના પેકેજની જાહેરાત કરી હતી. આમ છતાં વિરોધીઓ પાછળ હટવા તૈયાર નથી.

પાકિસ્તાની મીડિયા ડોન ન્યૂઝ અનુસાર, રાહત પેકેજની જાહેરાતના થોડા સમય પછી, પાકિસ્તાની અર્ધ લશ્કરી રેન્જર્સે ટીયર ગેસના શેલ છોડ્યા અને વિરોધીઓ પર ગોળીબાર કર્યો. આ દરમિયાન 3 લોકોનાં મોત થયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા.

વાસ્તવમાં પીએમ શરીફની જાહેરાત બાદ અર્ધલશ્કરી રેન્જર્સને PoK છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી રેન્જર્સના 19 વાહનોનો કાફલો મુઝફ્ફરાબાદ થઈને નીકળી રહ્યો હતો, ત્યારે શોરન દા નાકા ગામમાં તેમના પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો. આ દરમિયાન અર્ધલશ્કરી દળોના ત્રણ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. હુમલાના જવાબમાં રેન્જર્સે ગોળીબાર કર્યો હતો.


અગાઉ, શાહબાઝની જાહેરાત પછી પીઓકેના વડા પ્રધાન અનવારુલ હકે કહ્યું હતું કે લોકો અહીં સસ્તા ભાવે બ્રેડની માગ કરી રહ્યા છે. આ એક મૂળભૂત માગ છે જેને નકારી શકાય તેમ નથી. વીજળી અને લોટના ભાવનો આ મુદ્દો ઘણા સમયથી પેન્ડિંગ હતો, જેને કેન્દ્ર સરકાર જ ઉકેલી શકે છે. શાહબાઝ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પાકિસ્તાનના આગામી બજેટમાં સામેલ કરવામાં આવશે.

રાહત પેકેજ હેઠળ, PoKમાં લોટની કિંમત 77 રૂપિયા/કિલોથી ઘટાડીને 50 રૂપિયા/કિલો કરવામાં આવી છે. વીજળીના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ડોન ન્યૂઝ અનુસાર, PoKમાં 100 યુનિટ સુધીની વીજળીની કિંમત 3 રૂપિયા હશે, 300 યુનિટ સુધીની કિંમત 5 રૂપિયા/યુનિટ હશે અને જો 300 યુનિટથી વધુ વીજળી ખર્ચવામાં આવે તો 6 રૂપિયા પ્રતિ યુનિટ હશે.


બીજી તરફ, PoKમાં વિરોધનું નેતૃત્વ કરી રહેલી જમ્મુ કાશ્મીર અવામી એક્શન કમિટી (JAAC)એ કહ્યું છે કે તે સરકારના નોટિફિકેશનની કાયદેસર રીતે તપાસ કરાવશે, ત્યારબાદ જ વિરોધ પાછું ખેંચવા અંગે નિર્ણય લેવામાં આવશે. JAACએ કહ્યું કે PoK સરકાર અત્યાર સુધી આ મામલે બેજવાબદાર વલણ અપનાવી રહી છે. આ કારણોસર તેઓ હવે આ રાહત પેકેજ પર વિશ્વાસ કરવા સક્ષમ નથી.

પ્રદર્શનોને જોતા પીઓકેના રાજકીય કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ ભારત સરકારને પાકિસ્તાની રાજદૂતને બોલાવવાની અપીલ કરી છે. મિર્ઝાએ કહ્યું કે પાકિસ્તાનમાં રેન્જર્સે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો છે. ત્યાં લોકો રોજબરોજની ચીજવસ્તુઓના ભાવમાં રાહતની માગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના સમુદાયોએ સાથે આવવું જોઈએ અને પીઓકેને સમર્થન આપવું જોઈએ.