અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં રાજનાથ સિંહ ભડક્ય, 'અફઝલ ગુરુને ફાંસી નહીં તો શું હાર પહેરાવીએ' ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકારણમાં અમુક બાબતોના કારણે વિરોધ જોવા મળતો હોય છે. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં પહોંચેલા રાજનાથ સિંહે ઓમર અબ્દુલ્લા પર પલટવાર કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ 6 સપ્ટેમ્બરે કહ્યું હતું કે 2001ના સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપીને કોઈ હેતુ પૂરો થયો નથી. તેના જવાબમાં કેન્દ્રીય રક્ષામંત્રીએ કહ્યું- નેશનલ કોન્ફરન્સને આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. હું તેમને પૂછવા માગુ છું કે શું અફઝલ ગુરુને હાર પહેરાવવો જોઈએ?
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે (8 સપ્ટેમ્બર) કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ, અમે તેમને પોતાના ગણીએ છીએ. જમ્મુ-કાશ્મીરના રામબનમાં રાજનાથે આ વાત કહી. તેઓ અહીં ભાજપના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુર માટે વોટ માંગવા આવ્યા હતા. તેઓ બનિહાલ પણ જશે. અહીં ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટ માટે મત માગશે.
રક્ષા મંત્રીએ કહ્યું- પાકિસ્તાન PoKના રહેવાસીઓને વિદેશી માને છે, પરંતુ ભારત તેમને પોતાના માને છે. જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પરત નહીં કરી શકાય. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવવામાં આવી ત્યારથી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાને લઈને મોટા ફેરફારો થયા છે. અહીંના યુવાનો હવે પિસ્તોલ અને રિવોલ્વરને બદલે લેપટોપ અને કોમ્પ્યુટર લઈ જાય છે. છેલ્લા 5 વર્ષમાં અમે 40 હજાર નોકરીઓ ઊભી કરી છે.
રામબન વિધાનસભા બેઠક પરથી ભાજપના રાકેશ સિંહ ઠાકુર મેદાનમાં છે. નેશનલ કોન્ફરન્સ (NC)એ અર્જુન સિંહ રાજુને ટિકિટ આપી છે. એનસીના બળવાખોર કાર્યકર સૂરજ સિંહ પરિહાર પણ ચૂંટણી લડી રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નીલમ કુમાર લંગેહ જીત્યા હતા. પરંતુ આ વખતે તેમને ટિકિટ મળી નથી.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ 6 સપ્ટેમ્બરે કહ્યું હતું કે 2001ના સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપીને કોઈ હેતુ પૂરો થયો નથી. ગૃહમંત્રી અમિત શાહે 6 સપ્ટેમ્બરે ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. 7 સપ્ટેમ્બરે તેમણે જમ્મુના પલૌરામાં એક જાહેર સભા કરી હતી. શાહે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં એવી અફવા છે કે નેશનલ કોન્ફરન્સ સરકાર બનાવવા જઈ રહી છે. હું નાની ઉંમરથી ચૂંટણીના આંકડા શીખી રહ્યો છું અને હું તમને કહી રહ્યો છું કે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને ફારુક અબ્દુલ્લાની સરકાર ક્યારેય બની શકે નહીં. ભાજપ ચૂંટણી જીતશે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ અમિત શાહ પર નિશાન સાધ્યું છે. અબ્દુલ્લાએ કહ્યું- શાહ કહે છે કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સત્તામાં આવશે તો આતંકવાદ ફરી શરૂ થશે. હું તેમને પૂછું છું કે જ્યારે તેમણે કલમ 370 નાબૂદ કરી તો શું આતંકવાદ ખતમ થઈ ગયો?