અપડેટ@ઉત્તરાખંડ: સુરંગમાં ફસાયેલા મજુરોને સુરક્ષિત બહાર નિકાળવા માટે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ

બચાવ કામગીરીમાં આવી રહી છે સમસ્યા

 
 અપડેટ@ઉત્તરાખંડ: સુરંગમાં ફસાયેલા મજુરોને સુરક્ષિત બહાર નિકાળવા માટે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં છેલ્લા 9 દિવસથી ટનલમાં 41 મજૂરો ફસાયેલા છે. સુરંગમાંથી મજુરોને સુરક્ષિત બહાર નિકાળવા માટે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેના માટે વિદેશી મશીનોની પણ મદદ લેવામાં આવી રહી છે. ટનલમાં ફસાયેલા મજુરોને ભોજન આપવા માટે 6 ઇંચની પાઇપ પહોંચાડવામાં આવી છે. આ પાઈપ નાખવાનું કામ ગઈકાલે એટલે કે રવિવારે શરૂ કરવામાં આવ્યું હતું.

આજે એટલે કે, સોમવારે આ પાઇપ 57 મીટર કાટમાળને કાપીને સુરક્ષિત રીતે અંદર પહોંચાડવામાં આવી છે. હવે આ જ પાઇપ દ્વારા ટનલમાં ફસાયેલા મજુરોને ભોજન અને પાણી આપવામાં આવશે. અમેરિકન અર્થ ઓગર મશીન દ્વારા કાટમાળની વચ્ચે એક ટનલ બનાવી સ્ટીલની પાઈપ નાખવામાં આવી રહી હતી, પરંતુ જુદા-જુદા કારણોસર ડ્રિલિંગનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

અત્યાર સુધીમાં માત્ર 30 મીટર પાઈપ ટનલમાં અંદર ગઇ છે, જ્યારે કાટમાળ અંદાજે 57 મીટર જેટલો જમા થયો છે. જુદા-જુદા પ્રકારના મશીનોનો ઉપયોગ કર્યા છતા પણ સફળતા મળી નથી. વડાપ્રધાન કાર્યાલય અને રાજ્ય સરકાર દ્વારા બચાવમાં સામેલ એજન્સીઓ સાથે મળીને અલગ-અલગ 5 પ્લાન પર ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારના આગ્રહ પર ઓસ્ટ્રેલિયન ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પણ ઉત્તરકાશી પહોંચ્યા છે.

બચાવ કામગીરી માટેનો પ્લાન ઘટનાના દિવસથી જ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન મૂજબ કાટમાળને મશીનો દ્વારા હટાવવાનો હતો, પરંતુ રેસ્ક્યૂ ટીમને તેમાં સફળતા મળી ન હતી. તેનું કારણ એ હતું કે જેટલો કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો હતો, તેટલો જ કાટમાળ ફરી ટનલમાં આવી ગયો હતો. તેને ધ્યાને લઈ આ પ્લાન રદ કરવામાં આવ્યો હતો.

ટનલમાં ફસાયેલા મજુરો માટે લગભગ 2000 મીટરનો વિસ્તાર છે. સિલક્યારા બાજુથી 2,300 મીટર ટનલનું કામ કરવામાં આવ્યું હતું. તેના 200 મીટર બાદ કાટમાળ આવી ગયો હતો. અંદાજિત વિસ્તાર 50થી 60 મીટર છે. તેથી મજુરો માટે ટનલમાં રહેવા માટે 2000 મીટર જેટલી જગ્યા છે.