અપડેટ@દેશ: સાઉદી સરકાર ભારતીય નાગરિકોના મૃતદેહો સોંપશે નહીં, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાઉદી અરેબિયાના મક્કા-મદીના હાઇવે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા 45 ભારતીય નાગરિકોના મૃતદેહ ભારત પરત મોકલવામાં આવશે નહીં. સાઉદી વહીવટીતંત્રે ભારતીય દૂતાવાસને સ્પષ્ટતા કરી છે કે તમામ મૃતદેહોને સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.
મક્કાથી મદીના જઈ રહેલી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ રસ્તાની બાજુમાં ઉભી હતી ત્યારે પાછળથી આવતા એક ફ્યૂઅલ ટેન્કરે બસને ટક્કર મારી દીધી. મોટાભાગના મૃતકો હૈદરાબાદના હતા.
મક્કા-મદીના ક્ષેત્રમાં મૃત્યુ પામેલા મુસ્લિમ યાત્રાળુઓને દફનાવવાં એ એક ધાર્મિક અને વહીવટી પરંપરા છે. મોટાભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ થઈ શકતી નથી. સાઉદી અધિકારીઓના મતે, આવા અકસ્માતોમાં ગંભીર રીતે બળી ગયેલા મૃતદેહોને ભારતમાં મોકલવા એ સલામતી અને આરોગ્યના નિયમોની વિરુદ્ધ છે.
આ અકસ્માત રવિવારે ભારતીય સમય મુજબ મોડી રાતે 1:30 વાગ્યે મદીનાથી લગભગ 25 કિલોમીટર દૂર મુહરાસ નજીક થયો હતો. તે સમયે ઘણા મુસાફરો ઊંઘી રહ્યા હતા. જેથી તેમને પોતાનો બચાવ કરવાની કોઈ તક મળી નહીં.

