અપડેટ@તમિલનાડુ: એમોનિયા ગેસથી 7 મહિલાનાં મોત, 9 વેન્ટિલેટર પર, જાણો સમગ્ર ઘટના

ગેસ લીકની ઘટના સેન્ટ પીટર્સ પોલ સીફૂડ્સ એક્સપોર્ટ્સ યુનિટમાં બની હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તમિલનાડુમાંથી હદય કંપાવતી ઘટના સામે આવી છે. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં રવિવારે એક સીફૂડ એક્સપોર્ટ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થયો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં 7 મહિલા કર્મચારીઓના મોત થયા હતા, જ્યારે 65થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 9 વેન્ટિલેટર પર છે. ગેસ લીકની ઘટના સેન્ટ પીટર્સ પોલ સીફૂડ્સ એક્સપોર્ટ્સ યુનિટમાં બની હતી.

ઘટનાની જાણ થતાં જ અરક્કોનમ સ્થિત NDRFની ચોથી બટાલિયનના મુખ્યાલયમાંથી 30 સભ્યોની NDRF ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, NDRF ટીમ ગેસ ડિટેક્શન ડિવાઇસ, રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ આપત્તિનો સામનો કરવા માટેના વિશેષ ઉપકરણો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

જિલ્લા કલેક્ટર એસ. કવિતાએ જણાવ્યું કે 46 દર્દીઓને વેલ્સ હોસ્પિટલ અને 21 દર્દીઓને વેંકટેશ્વરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી નવ ગંભીર દર્દીઓને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

દુર્ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના કર્મચારીઓ 24થી 25 વર્ષની યુવાન મહિલાઓ છે. તેમણે કહ્યું કે દર્દીઓના પલ્સ અને બ્લડ પ્રેશર પર નજર રાખવામાં આવી રહી છે. જોકે ઘણા દર્દીઓનું બ્લડ પ્રેશર ઓછું છે, પરંતુ તેમની ઓછી ઉંમરને જોતા તેમના સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.