અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ અને 4 ઘાયલ
મેજર સહિત 4 જવાન ઘાયલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં 1 જવાન શહીદ થયો છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં શનિવારે (27 જુલાઈ) સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે. હુમલામાં એક મેજર સહિત ચાર જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર માછિલ સેક્ટર પાસેના જંગલ વિસ્તારમાં થયું હતું. ઘાયલ થયેલા તમામ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. તે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમનો SSG કમાન્ડો હોવાની આશંકા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈનિકો કમકારી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતું. સુરક્ષા દળોને કમકારી વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સેનાએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હુમલા બાદ આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા હોવાની આશંકા છે. વધારાના સૈનિકો મોકલીને શોધખોળ કરવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કોવુત વિસ્તારમાં બુધવારે થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ નોન-કમિશન્ડ ઓફિસર દિલાવર સિંહનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને પણ ઠાર કર્યો હતો. મંગળવારે પૂંછમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં લાન્સ નાઈક સુભાષ કુમાર શહીદ થયા હતા.
જુલાઈ 2024માં અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 9 મોટા આતંકી હુમલા થઈ ચૂક્યા છે. જેમાં કુલ 13 જવાનો શહીદ થયા છે, જ્યારે સુરક્ષા જવાનોએ 12 આતંકીઓને ઠાર કર્યા હતા.