અપડેટ@દેશ: બાંગ્લાદેશમાં અનામત સામે આંદોલન વધુ હિંસક બન્યું, 97ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર હિંસાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર હિંસા પ્રવર્તી છે. બાંગ્લાદેશમાં અનામત સામે આંદોલન વધુ હિંસક બન્યું છે. રવિવારે હજારો પ્રદર્શનકારીઓ PM શેખ હસીનાના રાજીનામાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ઘણી જગ્યાએ તેમની અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રવિવારે 97 લોકોના મોત થયા હતા. આ સાથે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં અહીં હિંસામાં 300થી વધુ લોકોના મોત થયા છે. હિંસા પર કાબૂ મેળવવા માટે સરકારે દેશભરમાં કર્ફ્યુ લગાવી દીધો છે. તેમજ આગામી 3 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે દેશભરની તમામ કોર્ટો બંધ કરી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંધ દરમિયાન માત્ર ખૂબ જ મહત્વપૂર્ણ કેસોની સુનાવણી થશે. આ માટે ચીફ જસ્ટિસ ઈમરજન્સી બેન્ચની રચના કરશે. આ સાથે બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા માત્ર 3 અઠવાડિયામાં 300ને પાર કરી ગઈ છે. ગયા મહિને થયેલી હિંસામાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા.