અપડેટ@દેશ: વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 365 પર પહોચ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 365 પર પહોંચી ગયો છે. જેમાં 30 બાળકોનો પણ સમાવેશ થાય છે. 206 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનાના છઠ્ઠા દિવસે આજે રવિવારે સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ દરમિયાન, ભૂસ્ખલનથી વિસ્થાપિત થયેલા લોકોનું કહેવું છે કે તેમના ઘરોમાં ચોરી થઈ રહી છે. કેટલાક લોકો રાત્રિના સમયે આવીને ઘરોમાંથી કિંમતી સામાનની ચોરી કરી રહ્યા છે. જો કે, રિપોર્ટ નોંધાયા બાદ હવે પોલીસ ચોરીમાં સંડોવાયેલા લોકોને પકડવા પેટ્રોલિંગ કરી રહી છે.
બીજી તરફ, મુખ્યમંત્રી વિજયને શનિવારે કહ્યું કે કેરળ સરકાર વાયનાડ ભૂસ્ખલનમાં ઘર અને જમીન ગુમાવનારા લોકોના પુનર્વસન માટે સુરક્ષિત વિસ્તારમાં ટાઉનશિપ બનાવશે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારના બાકીના લોકોને અહીં વસાવવામાં આવશે. આ પુનર્વસન પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ થશે.