અપડેટ@દેશ: ઇઝરાયલની સેનાએ ગાઝાની એક સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી, 29 લોકોના મોત

 29 લોકોના મોત
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  ઇઝરાયલની સેનાએ મંગળવારે ગાઝાની એક સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 29 લોકોના મોત થયા હતા. સમાચાર એજન્સી AFPના જણાવ્યા અનુસાર, એક સપ્તાહમાં આ બીજો હુમલો છે, જેમાં સ્કૂલને નિશાન બનાવવામાં આવી છે. જે સ્કૂલમાં હુમલો થયો હતો ત્યાં શરણાર્થીઓને રાખવામાં આવ્યા હતા.

ઇઝરાયલ છેલ્લા 4 દિવસથી એવી જગ્યાઓ પર હુમલો કરી રહ્યું છે જ્યાં શરણાર્થીઓને રાખવામાં આવ્યા છે. હવે ઇઝરાયલની સેનાએ પેલેસ્ટિનિયન લોકોને ખાન યુનિસને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ પછી ત્યાંની ત્રણ મોટી હોસ્પિટલો બંધ કરવી પડી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)એ તેને ખતરનાક પગલું ગણાવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકોને ખાન યુનિસ ખાલી કરવા માટે વધુ સમય આપવામાં આવે. આ દરમિયાન ઇઝરાયલે શરણાર્થીઓ પર હુમલો ન કરવો જોઈએ. ઇઝરાયલની સેનાએ કહ્યું કે શનિવારથી અત્યાર સુધીમાં ગાઝામાં સ્કૂલ પર ત્રણ હુમલા કરાયા છે.


ઇઝરાયલની સેનાએ શનિવારે ગાઝાની એક સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 16 લોકોના મોત થયા હતા અને 75થી વધુ લોકો ઘાયલ થયા હતા. અલજઝીરાના અહેવાલ મુજબ, આ સ્કૂલ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની હતી, જ્યાં શરણાર્થીઓને રાખવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઇઝરાયલની સેનાએ પહેલા સ્કૂલને ઘેરી લીધી અને પછી તેના પર હુમલો કર્યો. ઇઝરાયલના હુમલાને કારણે સ્કૂલની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં રહેતા બાળકો દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. જે બે બાળકોનો બચાવ થયો હતો તેમાંથી એક બાળકીને હાથમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અન્ય બાળકના ચહેરા અને માથા પર ઈજાના નિશાન હતા.

UNની રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર ગયા મહિને પણ ઇઝરાયલની સેનાએ એક સ્કૂલને નિશાન બનાવી હતી.


પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા. 50 ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે, બાકીનાને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ઇઝરાયલની સેનાએ સ્કૂલને આતંકવાદીઓનો અડ્ડો ગણાવ્યો હતો.

હુમલાથી બચવા માટે સેંકડો શરણાર્થીઓ સ્કૂલની આસપાસના વિસ્તારમાંથી ભાગી ગયા છે. આ પહેલા ઇઝરાયલે સ્કૂલને સેફ ઝોન જાહેર કરી હતી. ગયા મહિને સ્કૂલ પર થયેલા હુમલામાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.


ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આમાં અત્યાર સુધીમાં 38 હજાર પેલેસ્ટિનીયોના મોત થયા છે, જેમાં 14,500 બાળકોનો પણ સમાવેશ થાય છે. ગાઝાના લગભગ 80% લોકો બેઘર બન્યા. આ યુદ્ધ હવે ઇજિપ્ત સરહદ નજીક ગાઝાના રાફા શહેર સુધી પહોંચી ગયું છે.

ખરેખરમાં, યુદ્ધની શરૂઆતમાં લોકોએ ઇઝરાયલની કાર્યવાહીથી બચવા માટે ઉત્તર ગાઝા છોડીને રાફામાં આશરો લીધો હતો. અલ જઝીરા અનુસાર આ વિસ્તારમાં 10 લાખથી વધુ લોકો રહે છે. હવે ઈઝરાયલની સેના અહીં પણ હુમલો કરવાની પ્લાન બનાવી રહી છે.

ઈઝરાયલની દલીલ છે કે તેઓ અત્યાર સુધીમાં હમાસની 24 બટાલિયનને ખતમ કરી ચૂક્યા છે. પરંતુ હજુ પણ 4 બટાલિયન રાફામાં છુપાયેલી છે. તેમના ખાત્મા માટે રાફામાં ઓપરેશન ચલાવવું જરૂરી છે.