અપડેટ@દેશ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકમાં સુત્તૂર મઠ ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે કર્ણાટકમાં સુત્તૂર મઠ ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતના સાંસ્કૃતિક વારસાને વડાપ્રધાન મોદીએ સન્માન અપાવ્યું છે.
તે સાથે જ તેમણે અયોધ્યામાં રામમંદિર અને અન્ય તીર્થસ્થાનોનું ઉદાહરણ પણ આપ્યું. ગૃહપ્રધાન અમિત શાહે દેશને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની સાથોસાથ યોગ, આયુર્વેદ અને ભારતીય ભાષાઓને સંરક્ષણ આપવા બદલ પણ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ રામમંદિર, કાશી કોરિડોર, ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર જેવા સાંસ્કૃતિક કેન્દ્રો અને બદરીધામ અને કેદારનાથમાં પુનરુદ્ધારનું પણ કાર્ય કર્યું છે. અમિત શાહે સુત્તુર મઠની શાખા ખોલવા નિર્ણય લેવા બદલ શિવરાત્રિ દેશી કેન્દ્ર મહાસ્વામીની પણ પ્રશંસા કરી હતી. 12મી સદીના સમાજ સુધારક બસ્વેશ્વરને શ્રાદ્ધાંજલિ આપતાં અમિત શાહે કહ્યું હતું કે સમાજ કલ્યાણમાં સુત્તૂર મઠનું મોટું યોગદાન છે. મઠના યોગદાનને બધા યાદ રાખશે. અમિત શાહે ચામુંડેશ્વરી હિલ્સની પણ મુલાકાત લીધી હતી. ચામુંડેશ્વરી મૈસૂરની અધિષ્ઠાતા દેવી છે. દેવીની પૂજા કરતાં પહેલાં અમિત શાહે ભગવાન ગણેશની પૂજા પણ કરી હતી.
આ કાર્યક્રમમાં અયોધ્યા ખાતે રામલલાની મૂર્તિ તૈયાર કરનારા મૂર્તિકાર અરુણ યોગીરાજનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, પૂર્વ મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઇ, કર્ણાટક વિધાનસભા વિરોધપક્ષના નેતા આર. અશોક અને ભાજપ અધ્યક્ષ બી.આઇ. વિજેન્દ્ર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.