અપડેટ@દેશ: મણિપુરમાં ફરી હિંસા ફાટી, 2નાં મોત, 5 લોકો ઘયાલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જિરીબામ જિલ્લામાં આજે સવારે હુમલાખોરોએ એક વૃદ્ધને ઊંઘમાં જ માથામાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જિરીબામના પહાડી વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બીજી તરફ, મોડી રાત્રે ટોળાએ ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં મણિપુર રાઇફલ્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો. રોષે ભરાયેલ ટોળું સુરક્ષા દળો પાસેથી હથિયારો છીનવી લેવા માંગતું હતું. પોલીસે CRPF જવાનો સાથે મળીને જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે પેલેટ ગનમાંથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મોક બોમ્બ અને ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા.
સુરક્ષા દળો અને ટોળા વચ્ચે આખી રાત સંઘર્ષ ચાલુ રહ્યો હતો. જેમાં 5 લોકો ઘાયલ થયાના સમાચાર છે. તેમને JNIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી હથિયારો કે દારૂગોળો લૂંટાયાની કોઈ પુષ્ટિ થઈ નથી. જો કે બંને સ્થળોએ થયેલી હિંસામાં મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.
રાજ્યમાં તણાવને જોતા તમામ સ્કૂલો-કોલેજો બંધ રાખવામાં આવી છે. મણિપુર અખંડિતતા પરની સમિતિ (COCOMI) એ કાયદો અને વ્યવસ્થા લાગુ કરવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં કામકાજ બંધ રાખવા અને જાહેર કર્ફ્યુની હાકલ કરી છે. સવારથી ઇમ્ફાલમાં તમામ દુકાનો બંધ છે. રસ્તાઓ અને બજારો સુમસાન બન્યા છે.