રિપોર્ટ@દેશ: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર મહિલા કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર રાજભવનની એક મહિલા કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિત ફરિયાદ આપી છે. મહિલાનો આરોપ છે કે તે 24 માર્ચે રાજ્યપાલ પાસે કાયમી નોકરીની વિનંતી સાથે ગઈ હતી. પછી રાજ્યપાલે ગેરવર્તણૂક કરી. જ્યારે ગુરુવારે ફરીથી આવું જ થયું, ત્યારે તે ફરિયાદ લઈને રાજભવનની બહાર તૈનાત પોલીસ અધિકારી પાસે ગઈ. જો કે રાજ્યપાલે મહિલાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. મારા પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. સત્યનો વિજય થશે. તેમણે વધુમાં કહ્યું કે હું ઘડી કાઢેલી વાતોથી ડરતો નથી. જો કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો મેળવવા માંગતું હોય તો ભગવાન ભલું કરે. હું ભ્રષ્ટાચાર અને હિંસા સામેની લડાઈને રોકી શકતો નથી.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે મહિલાના આરોપોને લઈને એક વીડિયો નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે એક મહિલા રાજભવન ગઈ ત્યારે રાજ્યપાલ સીવી આનંદ બોઝ દ્વારા તેની છેડતી, જાતીય સતામણી અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી. મહિલા હવે પોલીસ સ્ટેશન પહોંચી છે, જ્યાં તે પોતાની ફરિયાદ નોંધાવી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતા પહોંચી રહ્યા છે ત્યારે આ ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મોદીજી રાજભવનમાં જ રોકાશે. શું મોદીજી રાજ્યપાલ પાસે સ્પષ્ટતા માંગશે? શું મોદીજી પૂછશે કે રાજભવનમાં આવી ઘટના કેવી રીતે બની? મહિલાના આરોપોને લઈને સાંસદ સાગરિકા ઘોષે 2 મેના રોજ રાત્રે લગભગ 9 વાગે નિવેદન બહાર પાડ્યું હતું.
રાજ્યપાલ પર લાગેલા આરોપો અંગે બીજેપી નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે એ જોવાનું રહેશે કે આરોપો સાચા છે કે પછી કોઈ ષડયંત્ર છે. 26,000 શિક્ષકોએ તેમની નોકરી ગુમાવી, સંદેશખાલી મુદ્દે તૃણમૂલ ઘેરાઈ. આ ફરિયાદ રાજકીય ષડયંત્ર છે કે કેમ તે જોવું રહ્યું. જો આ વાત સાચી હશે તો કેન્દ્ર સરકાર ચોક્કસ પગલાં લેશે. દરમિયાન પોલીસને રાજભવન પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યપાલે રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યપાલે ચંદ્રીમા પર બંધારણ વિરોધી નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મંત્રી સામે કાર્યવાહી કરવા માટે એટર્ની જનરલ પાસેથી સલાહ માંગી છે.