અપડેટ@દેશ: વડાપ્રધાન મોદીના ખભા પર હાથ રાખીને બાઈડને શું કહ્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી અવાર-નવાર કેટલીક વાર વિદેશના પ્રવાસ કરતા હોય છે. હાલમાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના 10 વર્ષના કાર્યકાળમાં 9મી વખત અમેરિકાની મુલાકાતે છે. અહીં તેમણે વિલ્મિંગ્ટનમાં શનિવારે યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનીઝ પીએમ ફ્યુમિયો કિશિદા સાથે ક્વાડ સમિટમાં હાજરી આપી હતી.
PM મોદીએ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ક્વાડ સમિટમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે ક્વોડ 'કાયમી' છે અને 'કોઈની વિરુદ્ધ નથી'. ચીનના સંદર્ભમાં તેમણે કહ્યું કે ક્વાડના નેતાઓ નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સાર્વભૌમત્વના સન્માનના પક્ષમાં છે.
તમને જણાવી દઈએ કે ચીન દુનિયામાં પોતાનું એકતરફી વર્ચસ્વ ઈચ્છે છે. આ વર્ચસ્વ માટે ચીન તેના પાડોશી દેશો, ખાસ કરીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે. ચીનને લાગે છે કે તેમની વિરુદ્ધ QUAD બનાવવામાં આવ્યું છે અને એવું છે પણ ખરું. આવી સ્થિતિમાં પીએમ મોદીનો આ સંદેશ ઘણી રીતે મહત્ત્વપૂર્ણ છે.
ક્વાડ સમિટ બાદ પીએમ મોદી અને અન્ય નેતાઓએ કેન્સર મૂનશોટ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં પીએમ મોદીએ ઈન્ડો-પેસિફિક દેશોને 4 કરોડ મફત રસી આપવાની જાહેરાત કરી. સમિટ પહેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાઇડન સાથે તેમના ડેલાવેર સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન બાઇડને મોદીને ગળે લગાવીને આવકાર્યા હતા. આ પછી બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ.
આ સિવાય પીએમ મોદીએ જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોદી અમેરિકા પહોંચવાના કલાકો પહેલા જ વ્હાઇટ હાઉસે ખાલિસ્તાન સમર્થકોને હોસ્ટ કર્યા હતા. યુએસ સરકારે તેમને ખાતરી આપી છે કે તેઓ શીખ કાર્યકરોને અન્ય દેશોમાં દમનથી બચાવશે.