અપડેટ@વર્લ્ડ: પાકિસ્તાનમાં અમેરિકા દૂતાવાસ પર હુમલો,12 લોકોના મોત, ભારતમાં 350+ ફ્લાઇટ રદ, જાણો વધુ

પાકિસ્તાનના કરાચીમાં હજારો શિયા મુસ્લિમો ખામેનીના મોતનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. 
 
અપડેટ@વર્લ્ડ: પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો,12 લોકોના મોત, ભારતમાં 350+ ફ્લાઇટ રદ, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હવાઈ હુમલા સતત બીજા દિવસે પણ ચાલુ છે. ઈરાન મિડલ ઈસ્ટના 9 દેશોમાં ઈઝરાયલ અને યુએસ લશ્કરી ઠેકાણાઓ પર પણ એર સ્ટ્રાઈક કરી રહ્યું છે. આજે સવારે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મૃત્યુની પુષ્ટિ થઈ છે. આ તરફ ખામેનીના મોત મામલે જમ્મુ-કાશ્મીર, UP અને બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. કર્ણાટકના બેંગલુરુમાં શિયા સમુદાયના લોકોએ રેલી કાઢી હતી. આ તરફ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું છે. મિડલ ઈસ્ટમાં એરસ્પેસ બંધ થવાને કારણે, 1 માર્ચે ભારતીય સ્થાનિક એરલાઇન્સની 350 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

પાકિસ્તાનના કરાચીમાં હજારો શિયા મુસ્લિમો ખામેનીના મોતનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ઇઝરાયલ અને અમેરિકા સામે નારા લગાવતા પ્રદર્શનકારીઓએ અમેરિકન દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોના ગોળીબારમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા યુવાનો ઘાયલ થયા છે.

ઈરાનના મિડલ ઈસ્ટના રાજ્યો પર તેના હુમલાઓ ચાલુ છે. આજે સવારથી, કતાર, દુબઈ અને અબુ ધાબીમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે. કતારમાં રહેતા ભારતીયોએ હુમલાના વીડિયો શેર કર્યા છે.

આ દરમિયાન, મિડલ ઈસ્ટમાં બગડતી પરિસ્થિતિને કારણે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ મિડલ ઈસ્ટના દેશોમાં 2 માર્ચે યોજાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ મુલતવી રાખી છે. આમાં બહેરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને UAEનો સમાવેશ થાય છે. નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.