અપડેટ@વર્લ્ડ: પાકિસ્તાનની સેનાએ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યો, અનેક લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાકિસ્તાનની સેનાએઆજે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. અલ-જઝીરા અનુસાર, સેનાએ દાવો કર્યો કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સાત કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
સરકારે તેને તાજેતરના આત્મઘાતી હુમલાઓ પછીનો વળતો હુમલો ગણાવ્યો. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું કે આ કાર્યવાહી ઇન્ટેલિજન્સ આધારિત અને પસંદગીનું ઓપરેશન હતું. પાકિસ્તાને કહ્યું કે તેની પાસે પાકા પુરાવા છે કે હુમલા અફઘાનિસ્તાનની જમીન પરથી સંચાલિત નેટવર્કે કરાવ્યા હતા.
હવાઈ હુમલાના થોડા કલાકો પહેલા ખૈબર પખ્તુનખ્વાના બન્નૂ જિલ્લામાં સુરક્ષા કાફલા પર આત્મઘાતી હુમલો થયો, જેમાં એક સૈનિક અને એક લેફ્ટનન્ટ કર્નલ માર્યા ગયા.
સોમવારે બાજોરમાં વિસ્ફોટકો ભરેલી ગાડી સુરક્ષા ચોકી સાથે અથડાઈ. આ હુમલામાં 11 સૈનિકો અને એક બાળકનું મોત થયું. અધિકારીઓએ હુમલાખોરને અફઘાન નાગરિક ગણાવ્યો.
આ પહેલાં ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાઝ દરમિયાન શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો. પાકિસ્તાની અખબાર ધ ડોન અનુસાર, હુમલામાં 31 લોકોનાં મોત થયા છે અને 169 ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.

