અપડેટ@વર્લ્ડ: અમેરિકા-ઇઝરાયલે ઇરાન પર 1200 બોમ્બ ફેંક્યા, ઈરાનના 40 મોટા કમાન્ડર ઠાર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઇઝરાયલે અમેરિકા સાથેના સંયુક્ત હુમલામાં છેલ્લા એક દિવસમાં ઇરાન પર 1,200થી વધુ બોમ્બ ફેંક્યા છે. આ હુમલાઓમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીનું મૃત્યુ થયું છે.
શનિવારે તેમના ઓફિસ કોમ્પ્લેક્સ પર 30 મિસાઈલોથી હુમલો થયો હતો. હુમલામાં તેમની પુત્રી-જમાઈ, પુત્રવધૂ અને પૌત્રી સહિત કોમ્પ્લેક્સમાં હાજર 40 કમાન્ડરો પણ માર્યા ગયા છે. હુમલા સમયે ખામેની કમાન્ડરો સાથે મીટિંગ કરી રહ્યા હતા.
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ શનિવારે મોડી રાત્રે ખામેનીના મૃત્યુની વાત કહી હતી. તેના થોડા સમય પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેમના મૃત્યુનો દાવો કર્યો હતો. રવિવારે સવારે ઇરાનની સરકારી મીડિયા એજન્સી ‘તસ્નીમ’ અને ‘ફાર્સ’એ તેની પુષ્ટિ કરી.
ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનની રાજધાની તેહરાન સહિત 10 મોટા શહેરોને નિશાન બનાવ્યા. હુમલાઓમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 740થી વધુ લોકો ઘાયલ થયા છે. એક સ્કૂલ પર મિસાઈલ પડવાથી 148 વિદ્યાર્થીનીઓના મોત થયા અને 45 ઘાયલ છે. ઇરાને પણ દેશો પર જવાબી હુમલા કર્યા હતા.

