અપડેટ@દેશ: પોલીસનું ડ્રગ-માફિયાઓ સામે ઓપરેશન; 4 પોલીસકર્મી સહિત 64 લોકોનાં મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોલીસે ડ્રગ-માલિકો સામે અત્યારસુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું. રેડ કમાન્ડ તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગ સામેના ઓપરેશનમાં 4 પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા 64 લોકો માર્યા ગયા.
આજે સવારે બ્રાઝિલના ઉત્તરીય રિયો ડી જાનેરોના અલેમાઓ અને પેન્હા વિસ્તારમાં આ કાર્યવાહી શરૂ થઈ હતી. લગભગ 2,500 પોલીસ અને સુરક્ષાકર્મચારીઓએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ ટીમો આગળ વધતી ગઈ એમ રેડ કમાન્ડ ગેંગના સભ્યોએ ગોળીબાર શરૂ કરી દીધો. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગેંગે શેરીઓમાં સળગતા બેરિકેડ્સ ગોઠવ્યાં હતાં અને પોલીસને અવરોધવા માટે ડ્રોનથી બોમ્બ ફેંક્યા હતા. પોલીસે ભારે હથિયારોથી જવાબ આપ્યો.
પોલીસે એક દિવસ ચાલેલા એન્કાઉન્ટરમાં 80થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીથી નજીકમાં રહેતા આશરે 3,00,000 રહેવાસીમાં ગભરાટ ફેલાયો હતો, લોકો એને "વોર ઝોન" તરીકે વર્ણવી રહ્યા છે.
ગોળીબારમાં ઘણા નાગરિકો પણ ઘાયલ થયા છે, જ્યારે ઘણા રસ્તાઓ બંધ છે. વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર અને વિસ્ફોટોના અવાજો દિવસભર ગુંજતા રહ્યા, જેના કારણે લોકો તેમના ઘરોમાંથી બહાર નીકળી શક્યા નહીં.
બ્રાઝિલ સરકારના મતે આ વિસ્તાર રેડ કમાન્ડ માટે એક મુખ્ય આધાર માનવામાં આવે છે, જે લાંબા સમયથી ડ્રગ હેરફેર, શસ્ત્રોની સપ્લાય અને દરિયાકાંઠાના માર્ગો પર નિયંત્રણ માટે જાણીતી ગેંગ છે.
પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં 200 કિલોગ્રામથી વધુ ડ્રગ્સ, અનેક રાઇફલ્સ અને અન્ય શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી સિવિલ અને લશ્કરી પોલીસ દ્વારા એક વર્ષ લાંબી તપાસ બાદ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે આગામી થોડા દિવસોમાં રિયોમાં યુએન ક્લાઇમેટ પ્રોગ્રામ્સ સંબંધિત અનેક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે.
રિયો આવતા અઠવાડિયે C40 મેયર્સ સમિટ અને પ્રિન્સ વિલિયમના અર્થશોટ પ્રાઇઝનું આયોજન કરશે, જેમાં અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજરી આપે એવી અપેક્ષા છે. આ કાર્યક્રમો નવેમ્બરમાં એમેઝોન શહેર બેલેનમાં યોજાનારી યુએનની COP30 આબોહવા સમિટની તૈયારીઓનો એક ભાગ છે.

