અપડેટ@રશિયા: કામચાટકાના પૂર્વી કિનારા પર 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. રશિયાના કામચાટકાના પૂર્વી કિનારા પર 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 5.8ની તીવ્રતાવાળા એક સહિત પાંચ આફ્ટરશોક અનુભવાયા. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી. દરિયાકાંઠે 30 થી 62 સેન્ટિમીટર ઊંચા મોજા ઊછળતા જોવા મળ્યાં.
કામચાટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે જણાવ્યું હતું કે તમામ કટોકટી સેવાઓ હાઇ એલર્ટ પર છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ પ્રદેશમાં 7.0 કે તેથી વધુ તીવ્રતાના ચાર મોટા ભૂકંપ નોંધાયા છે. જેમાં આજે આવેલા ભૂકંપનો પણ સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ભૂકંપના વીડિયોમાં ઘરોમાં ફર્નિચર અને લાઇટો હલતી જોવા મળી છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનો પણ ધ્રુજતા જોવા મળ્યા. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ રશિયન શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી 128 કિલોમીટર દૂર અને 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. રશિયાની સ્ટેટ જીઓફિઝિકલ સર્વિસે પાછળથી અહેવાલ આપ્યો કે તેની તીવ્રતા 7.4 છે.