અપડેટ@અયોધ્યા: રામમંદિર પરિસરમાં ભીડ વચ્ચે ઉડતું ડ્રોન તોડી પાડવામાં આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અયોધ્યા રામમંદિર પર એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. રામમંદિર પરિસરમાં ભીડ વચ્ચે ઉડતું ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. સોમવારે સાંજે ડ્રોન ગેટ નંબર 3 પર ઉડતું પહોંચ્યું હતું. તે સમયે રામલલાના દર્શન માટે ભારે ભીડ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ટી-ડ્રોન સિસ્ટમે ડ્રોનને તોડી પાડ્યું. આ પછી સુરક્ષા કર્મચારીઓ સતર્ક થઈ ગયા. બોમ્બ સ્ક્વોડ ટીમને બોલાવવામાં આવી. ડ્રોનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ડ્રોન કેમેરા ઉડાડનાર વ્યક્તિની શોધ ચાલી રહી છે.
અયોધ્યા પોલીસને શંકા છે કે આ ભાગદોડ મચાવવાનું કાવતરું હોઈ શકે છે. કારણ કે, રામમંદિર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. મંદિર ઉપરથી વિમાનો પણ ઉડવાની મંજૂરી નથી.
અયોધ્યામાં કટરા ચોકીના ઇન્ચાર્જ સુનિલ કુમારે આ મામલે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આમાં તેમણે કહ્યું- 17 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યે રામમંદિર પરિસરમાં ડ્યુટી પોઈન્ટ, બેચિંગ પ્લાન્ટ પાસે કોઇ અજાણ્યા વ્યક્તિએ ડ્રોન કેમેરાને પ્રતિબંધિત વિસ્તારમાં ઉડાવીને જાણી જોઈને નીચે પાડી દીધું હતું.
મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ડ્રોનને નીચે પાડવામાં આવ્યું હોવાની શંકા છે. જેથી મંદિર પરિસરમાં નાસભાગ મચી શકે છે અને જાનહાનિ થઈ શકે છે. મહાકુંભને કારણે આ સમયે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.
આ કેસમાં સીઓ અયોધ્યા આશુતોષ તિવારીએ જણાવ્યું હતું કે ડ્રોન નજીકના કોઈ લગ્ન સમારોહ સાથે સંબંધિત હોઈ શકે છે. રામમંદિરની એન્ટી-ડ્રોન સિસ્ટમ 2.5 કિમીની ત્રિજ્યામાં ઉડતા કોઈપણ ડ્રોનને પોતાની તરફ ખેંચી લે છે. આ કેસમાં શું થયું છે? તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
તસવીર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સમયની છે. અયોધ્યામાં 4 બુલેટપ્રૂફ બખ્તરબંધ વાહનોમાં યુપી એટીએસના લગભગ 100 કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા હતા.
રામમંદિર અને તેની આસપાસ ડ્રોન પર પ્રતિબંધ છે. ડ્રોન ઉડાડવા માટે વહીવટીતંત્રની પરવાનગી લેવી પડે છે. રામમંદિર ઉપર વિમાન ઉડાડવાની પણ મંજૂરી નથી. રામમંદિરની સુરક્ષાની જવાબદારી SSF એટલે કે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સના હાથમાં છે. મંદિરની સુરક્ષા માટે 200 સૈનિકો તહેનાત છે.