અપડેટ@દિલ્હી: 12મા ધોરણના વિદ્યાર્થી દ્વારા શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી

પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે પરીક્ષા આપવા માગતો ન હતો, તેથી તેણે ઈમેલ મોકલ્યો હતો.
 
અપડેટ@દિલ્હી: 12મા ધોરણના વિદ્યાર્થી દ્વારા શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હીમાં બોમ્બની ધમકી ભર્યાં કોલ અને મેસેજ અવાર-નવાર મળી આવતા હોય છે. ફરી એકવાર એવી ઘટના સામે આવી છે. 12મા ધોરણના વિદ્યાર્થી દ્વારા દિલ્હીની શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસે શુક્રવારે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી હતી.

પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે પરીક્ષા આપવા માગતો ન હતો, તેથી તેણે ઈમેલ મોકલ્યો હતો. શાળાઓ તરફથી કોઈ શંકા ન થાય તે માટે, તેણે ઈમેલમાં તેની શાળા તેમજ દિલ્હીની 23 શાળાઓને ટેગ કરી.

જોકે, આરોપી વિદ્યાર્થી કઇ શાળાનો છે અને તેણે ક્યારે અને કઇ શાળાને ધમકી આપી હતી તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. દિલ્હી પોલીસે જણાવ્યું કે આ વિદ્યાર્થીએ પહેલા પણ 5 વખત શાળાઓને ધમકી આપી હતી.

બુધવારે પણ કેટલીક શાળાઓને નકલી ધમકીઓ આપવામાં આવી હતી. જેમાં દિલ્હીના વસંત વિહાર અને આરકે પુરમની ડીપીએસ, બ્લુ બેલ્સ અને ટાગોર ઈન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. ધમકી બાદ આ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ શાળાઓને એક જ વિદ્યાર્થી દ્વારા ધમકી આપવામાં આવી હતી કે કેમ તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી.

દિલ્હી પોલીસે જણાવ્યું કે શાળામાં મોકલવામાં આવેલા ઈમેઇલમાં વિદ્યાર્થીએ લખ્યું હતું- શાળામાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓના બેગની કડક તપાસ થતી નથી, આથી અમને અમારા પ્લાનને અંજામ આપવાની યોગ્ય તક મળી. આ સમયે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ સિવાય બાકીના લોકો કા તો મેદાનની બહાર ઉભા હશે કા તો બિલ્ડિંગની આજુબાજુ ફરતા હશે. તમારા કેમ્પસમાં ઘણા બોમ્બ પ્લાનટ કરવામાં આવ્યા છે.​​​​​​