અપડેટ@દેશ: જમ્મુના બનતાલાબમાં પુલ ધરાશાયી થતાં 5થી 7 લોકો દટાયા, 1નું મોત, જાણો સમગ્ર દુર્ઘટના વિશે
પોલીસ, સેના અને સ્થાનિક પ્રશાસનની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
May 2, 2026, 08:31 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુના બનતાલાબમાં ગઇકાલે પુલ ધરાશાયી થતાં 5થી 7 લોકો દટાઈ ગયા હતા. જ્યારે, 1નું મોત નીપજ્યું હતુ. પોલીસ, સેના અને સ્થાનિક પ્રશાસનની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
કાટમાળમાંથી અત્યાર સુધીમાં 3 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્ય શ્યામ લાલ શર્માએ જણાવ્યું કે હજુ 3 મજૂરો કાટમાળમાં દટાયેલા છે. અહીં સમારકામનું કામ ચાલી રહ્યું હતું.
ભાજપના ધારાસભ્યએ કહ્યું કે આ જૂનો પુલ છે જેનો પાયો નબળો પડી ગયો હતો. પાયાને મજબૂત કરવા માટે ટેન્ડર બહાર પાડીને કામ શરૂ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન ઉપરથી પસાર થતા કોઈ વાહનનાં કારણે આ પુલ ધરાશાયી થયો. અધિકારીઓનું કહેવું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા પછી જ દુર્ઘટનાનું સાચું કારણ જાણી શકાશે.

