અપડેટ@દેશ: અમેરિકાએ ઇઝરાયલને બચાવવા માટે હથિયાર મોકલ્યા
યુદ્ધ જહાજો તહેનાત કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકાએ ઈઝરાયલને કેટલાક હથિયારો મોકલ્યા છે. અમેરિકાએ વધતા તણાવને જોતા મિડલ ઈસ્ટમાં વધુ હથિયારો તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને કહ્યું કે અમેરિકા આ વિસ્તારમાં ફાઈટર જેટ સ્ક્વોડ્રન અને એરક્રાફ્ટ કેરિયર તહેનાત કરશે. તેમનો ધ્યેય ઈરાન દ્વારા હુમલાની સ્થિતિમાં ઇઝરાયલની સુરક્ષા કરવાનો છે.
ખરેખરમાં, તેહરાનમાં હમાસ ચીફ હાનિયાના મોત બાદ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ ઇઝરાયલ પર સીધો હુમલો કરવાની ધમકી આપી હતી. ઈરાન સમર્થક સંગઠનો હિઝબુલ્લાહ અને હુતિઓએ પણ ઇઝરાયલથી બદલો લેવાની વાત કરી હતી.
આ પછી અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને પણ મિડલ ઈસ્ટમાં બેલેસ્ટિક મિસાઈલ સાથે ક્રુઝર અને ડિસ્ટ્રોયર પણ તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત અમેરિકા ત્યાં અન્ય બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ વેપન પણ મોકલી રહ્યું છે.
આ પહેલા 1 ઓગસ્ટના રોજ વોશિંગ્ટન પોસ્ટે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકાએ મિડલ ઈસ્ટમાં 12 નવા યુદ્ધ જહાજ તહેનાત કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત દરમિયાન ઇઝરાયલનો બચાવ કરવાનું વચન આપ્યું હતું.
બંને નેતાઓએ મિડલ ઈસ્ટમાં અમેરિકાના હથિયાર અને ડિફેન્સ વેપન્સની સંખ્યા વધારવા પર ચર્ચા કરી હતી. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકાના રક્ષા મંત્રીએ આ વિસ્તારમાં પહેલાથી જ તહેનાત USS થિયોડોર રૂઝવેલ્ટ કેરિયરની જગ્યાએ USS અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયરને તહેનાત કરવાનો આદેશ આપ્યો છે.
પેન્ટાગોનના પ્રવક્તા સબરીના સિંહે શુક્રવારે કહ્યું કે ઓસ્ટિને ઇઝરાયલને મદદ કરવા અને વિસ્તારમાં હાજર અમેરિકન સૈનિકોની સુરક્ષા માટે હથિયારો મોકલવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી તેણે મિડલ ઈસ્ટ અને ભૂમધ્ય સમુદ્રમાં તેના યુદ્ધ જહાજોની સંખ્યામાં વધારો કર્યો હતો.
2 યુએસ નેવી ડિસ્ટ્રોયર, USS રૂઝવેલ્ટ, USS બુલ્કલી, USS વેસ્પ અને USS ન્યુયોર્ક જેવા કેરિયર્સ આ ક્ષેત્રમાં હાજર છે. USS વાસ્પ અને ન્યૂયોર્કને તણાવ વધવાની સ્થિતિમાં યુએસ સૈનિકોને આ વિસ્તારમાંથી ઝડપથી બહાર કાઢવા માટે તહેનાત કરવામાં આવ્યા છે.
આ પહેલા પણ 13 એપ્રિલે જ્યારે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે અમેરિકન ડિફેન્સ સિસ્ટમે તેને ઈન્ટરસેપ્ટ કરી હતી.
અમેરિકન મીડિયા હાઉસ ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ગાઝામાં યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈઝરાયલને 155 mmના 52,229 M795 આર્ટિલરી શેલ અને હોવિત્ઝર ગન માટે 30 હજાર શેલ મોકલ્યા છે. ઇઝરાયલને 320 મિલિયન ડોલરના ડંબ બોમ્બ પણ આપવામાં આવ્યા છે, જે ચોક્કસ હુમલાઓ કરવામાં અસરકારક બનાવવા માટે GPS સાથે ફીટ કરી શકાય છે.
આ સિવાય એર ડિફેન્સ સિસ્ટમ, ટેન્ક, હેલફાયર મિસાઈલ અને શોલ્ડર ફાયરિંગ રોકેટ પણ મોકલવામાં આવ્યા છે. આ સિવાય 250થી 2 હજાર પાઉન્ડના બોમ્બ પણ આપવામાં આવ્યા છે.