અપડેટ@દેશ: પાતળા થવા માટે વપરાતા ઈન્જેક્શનને ભારતમાં પણ મંજૂરી મળી

ભારતમાં પણ મંજૂરી મળી
 
અપડેટ@દેશ: પાતળા થવા માટે વપરાતા ઈન્જેક્શનને ભારતમાં પણ મંજૂરી મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ટેકનોલોજી એટલી વધી ગઈ છે. તમામ પ્રકારની દવાઓની શોધ થઇ ગઈ છે. યુરોપ અને અમેરિકામાં પાતળા થવા માટે વપરાતા ઈન્જેક્શનને ભારતમાં પણ મંજૂરી મળી ગઈ છે. આ ઈન્જેક્શનનું નામ છે મોઉન્જારો (Maounjaro) અને તેમાં રહેલા તત્વને ટિર્ઝેપાટાઈડ (Tirzepatide)થી ઓળખાય છે. ભારતની બજારમાં કોઈપણ દવા વેચાણ માટે મૂકવી હોય તો બે પ્રકારે મંજૂરી લેવી પડે. પહેલી મંજૂરી સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) આપે છે. પછી ફાઈનલ મંજૂરી ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા આપે છે. વજન ઘટાડવાના ઈન્જેક્શનને ભારતમાં CDSCOની મંજૂરી મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા મંજૂરી આપી દેશે એટલે લગભગ આવનારા પાંચ-છ મહિનામાં વજન ઘટાડવાનું ઈન્જેકશન મેડિકલ સ્ટોરમાં મળતું થઈ જશે. એવું કહેવાય છે કે, ભારતમાં આ ઈન્જેક્શન ડિસેમ્બર-2024 પહેલાં મળતું થઈ જશે.

આ ઈન્જેકશનમાં એવું તે શું હોય છે કે જાડાં માણસને પાતળા કરી શકે? વજન ઓછું થઈ શકે? આ ઈન્જેક્શન કોણ લઈ શકે ને કોણ ન લઈ શકે? ઈન્જેક્શન કેટલા સમય સુધી લેવું પડે? ભારતમાં આવશે તો તેની કિંમત શું હશે? ઈન્જેક્શન લેવાથી કઈ કઈ સાઈડ ઈફેક્ટ થાય છે? આ તમામ સવાલોના જવાબ અમે
ઓબેસિટીનું પ્રમાણ ગુજરાતમાં કેટલું વધ્યું છે? જવાબમાં અમદાવાદની રેડિયન્સ હોસ્પિટલના ઓબેસિટી સર્જન ડો. અપૂર્વ વ્યાસ કહે છે, ઓબેસિટીના સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. છેલ્લા દસ વર્ષની વાત કરું તો ઓબેસિટીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. મહિલાઓમાં તો આ પ્રમાણ જોવા મળે જ છે પણ સ્કૂલે જતાં બાળકોમાં આ પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલાં AMCનો સ્ટડી આવેલો. તે રિપોર્ટમાં લખ્યું હતું કે, 2020માં જે બાળકો સ્થૂળ હતા તેના કરતાં 2022માં 15% બાળકો સ્થૂળ છે. સંખ્યા વધી છે.


ફાસ્ટ લાઇફસ્ટાઇલ અને ખોરાકમાં બદલાવને કારણે ગુજરાતમાં પુરુષો કરતાં મહિલાઓમાં મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં દર 100માંથી 20 પુરુષો અને 100માંથી 25 મહિલા મેદસ્વી છે. ઇન્ડિયન જરનલ ઓફ ફાર્મસી પ્રેક્ટિસમાં પ્રસિદ્ધ થયેલા સ્ટડી મુજબ, અમદાવાદની 13થી 18 વર્ષની 14% છોકરીઓ મેદસ્વિતા વધારતા PCOS (પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ) રોગથી પીડાતી હોય છે. દેશમાં દર 3માંથી 2 મહિલા અને 25થી 45 વર્ષની 80 ટકા વર્કિંગ વુમન મેદસ્વિતાનો શિકાર છે. બેરિયાટ્રિક સર્જરીની વધેલી અવેરનેસથી હવે લોકોમાં સંકોચ રહ્યો નથી. અરિયાટ્રિક સર્જરી કરાવનાર દર્દીમાં મોટાભાગના દર્દીમાં ટાઇપ-2 ડાયાબિટીસ હોય છે.


ડો. અપૂર્વ વ્યાસ કહે છે, એવું ન કહી શકીએ કે આ બહુ ખાય છે એટલે શરીર વધે છે. એવું નથી હોતું. ઘણા તો ઓછું ખાય છે તો ય શરીર વધ્યા કરે છે. સ્થૂળતા થવાનું કોઈ એક કારણ નથી. ઘણા કારણો છે. આના માટે ત્રણ કારણો જવાબદાર છે. પહેલું કારણ છે જિનેટિક. એટલે માતા-પિતા બંને જાડાં હોય તો બાળક જાડું થવાનું જ. માતા-પિતા બંનેમાંથી એક વ્યક્તિ જાડી હોય તો 60 ટકા બાળકોમાં ઓબેસિટી થાય. બીજું કારણ છે, ખાવાની પદ્ધતિ. આપણું સાદું ને દેશી ખાવાનું હતું તેના બદલે વેસ્ટર્ન ફૂડની ચેઈન્સ આવી છે તે લોકો વધારે ખાય છે. વધારે ચીઝ, વધારે બટર હોય. ફ્રાઈ વસ્તુઓ હોય, સાથે મોટું કોલ્ડ્રીંક ફ્રી આપે. આ બધી વસ્તુઓના કારણે ચરબીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્રીજું કારણ છે, કસરત ઓછી થઈ ગઈ છે. એક સમયે લોકો ચાલતા, એક્સરસાઈઝ કરતા એ બંધ થઈ ગયું છે. વાહનોનો ઉપયોગ વધ્યો છે. આ બધું સાથે મળીને વજન વધવાના કેસ વધી ગયા છે.


ડો. અપૂર્વ વ્યાસ કહે છે, આપણા શરીરમાં બે હોર્મોન્સ હોય છે. એક સુગર લેવલ વધારે છે અને ઈન્સ્યુલિનને ઘટાડે છે. એ હોર્મોન્સનું નામ છે ફોર્ગટ (Foregut). બીજા હોર્મોન્સ એવા હોય છે જે વધારાની સુગર બાળીને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ હોર્મોનનું નામ છે હિન્ડગટ (Hindgut). હિન્ડગટ હોર્મોન માટે બીજો શબ્દ વપરાય છે-GLP-1.
શરીરમાં હિન્ડગટ હોર્મોન સુષુપ્ત અવસ્થામાં પડ્યા હોય, એક્ટિવ ન હોય તો ફોર્ગટ હોર્મોન તરત એક્ટિવ બનીને પોતાનું કામ શરૂ કરી દે છે ને સુગર લેવલ વધારી દે છે. GLP-1 હોર્મોન છે તેનું કામ જ એ છે કે તે આપણા મગજમાં હાઈપોથેલેમસ ભાગ છે ત્યાં જઈને વધારે એક્ટિવ કરે છે એટલે તેમાંથી જે સ્ત્રાવ છૂટે તે શરીરમાં ભૂખ ઓછી લગાડે છે. ખાવાની ઈચ્છા ઘટી જાય છે. એટલે નવી સુગર બનતી નથી ને જે જમા થયેલી ચરબી છે તે ધીમે ધીમે ઘટવાનું પણ શરૂ થઈ જાય છે. આ ઈન્જેક્શન વેઈટ લોસ કરવા માટે હેલ્પફૂલ થશે.


સવાલ એ થાય કે, ટિર્ઝેપાટાઈડ ઈન્જેક્શન (મોઉન્જારો) દરેક વ્યક્તિ લઈ શકે કે જેને ડાયાબિટીસ હોય એ જ લઈ શકે? જવાબમાં ડો. અપૂર્વ વ્યાસ કહે છે, આ ઈન્જેક્શન કોઈપણ લઈ શકે. જેને ટાઈપ-2 ડાયાબિટીસ છે એ પણ અને જેને ટાઈપ-2 ડાયાબિટીસ નથી એ પણ લઈ શકે. તેની અલગ અલગ માત્રા હોય છે. વજન ઘટાડવા માટે ઓછી માત્રામાં ઈન્જેક્શન અપાય છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું હોય ને વજન પણ ઘટાડવું હોય તો વધારે માત્રામાં ઈન્જેક્શન લેવું પડે છે. તમારું BMI 38થી 40 હોય કે તમે સુપર ઓબિસિટીમાં આવતા હો અને બેરિયાટ્રિક સર્જરીથી ડરતા હો તો આ ઓપ્શન સારું છે. પણ જે રિઝલ્ટ બેરિયાટ્રિક સર્જરી આપી શકતી હોય તે આ ઈન્જેક્શન નહીં આપી શકે. પણ BMI 32,33 કે 34 હોય ને વેઈટ ઓછું કરવું છે. સાથે ડાયાબિટીસ ટાઈપ-2 છે અથવા ડાયાબિટીસ ટાઈપ-2 નથી તો પણ આ ઈન્જેક્શન લેવાથી ફાયદો ચોક્કસ થશે જ. ઈન્જેકશન લીધા પછી પણ શરીરની કેર કરવી પડે. ચાલવાનું રાખવું પડે, ડાયેટમાં પ્રોટીન વધારે લેવાનું અને કાર્બોહાઈડ્રેડ ફેટ ઓછું લેવાનું. એટલે આ બધું તો કરવું જ પડે. પણ એક સારી વાત છે કે આ ઈન્જેક્શનની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.


ડો. વ્યાસ કહે છે, જુઓ- બેરિયાટ્રિક સર્જરીનો ખર્ચ ગણો તો 3 લાખ, 4 લાખ સુધીમાં સર્જરી પૂરી થઈ જાય. અને લાઈફ ટાઈમ તેનું રિઝલ્ટ રહે. ઈન્જેક્શનનું કેલ્ક્યુલેશન કરો તો એક ઈન્જેક્શન લગભગ 1500 રૂપિયાનું મળે તેવી ધારણા છે. યુરોપનું ડુરાગ્લુટાઈડ ઈન્જેક્શન 1800 રૂપિયાનું મળે છે. માનો કે, ટિર્ઝેપારાઈડ ઈન્જેક્શન ભારતની બજારમાં આવે છે ને 1500નું મળે છે તો દર પાંચ દિવસે એક લેવું પડે. એ હિસાબે મહિનાના 9 હજાર રૂપિયા થાય. વર્ષના 1 લાખ 8 હજાર રૂપિયા થયા. ઈન્જેક્શન પાછળ દર વર્ષે એક લાખ ખર્ચી શકે તેને ઈન્જેક્શન પરવડે. ઈન્જેક્શન લેવાનું શરૂ કરો પછી લાઈફ ટાઈમ લેવા પડે. જો એકવાર એ બંધ કરો તો થોડા સમયમાં તમારું વજન ફરી વધવા લાગે ને શરીર હતું એવું જ થઈ જાય. પણ જે સર્જરીથી ડરતા હોય અને જેમને ફાયનાન્સિયલ પ્રોબ્લેમ ન હોય તેમના માટે આ ઈન્જેક્શન ગેમચેન્જર સાબિત થઈ શકે છે.


ડો. વ્યાસ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, યુરોપનું એક ઈન્જેકશન અને એક ટેબલેટ ભારતની બજારમાં મળે છે. ઈન્જેક્શનનું નામ છે-Duraglutide (ડુરાગ્લુટાઈડ) અને એક દવા આવે છે Semaglutide (સીમાગ્લુટાઈડ). દવા તો બે જ વર્ષથી આવી છે. ઈન્જેક્શન સાત વર્ષથી મળે છે. આ બંને યુરોપિયન દેશનાં છે. પણ અમેરિકાનું જે નવું ઈન્જેક્શન આવી રહ્યું છે તે ખૂબ ઈફેક્ટિવ છે. આ ઈન્જેક્શનથી ડાયાબિટીસ કંટ્રોલ થાય અને વેઈટ લોસમાં પણ હેલ્પફૂલ થાય. ટિર્ઝેપાટાઈડના અમેરિકામાં સારા રિઝલ્ટ મળ્યા છે. બેરિટાટીક સર્જરીની જેને જરૂર ન હોય ને છતાં વજન ઘટાડવું છે તો તેના માટે આ ઈન્જેક્શન ડ્રગ ખૂબ યુઝફૂલ છે. આ ડ્રગને તમે બંધ ન કરી શકો. દર પાંચ દિવસે એક ઈન્જેક્શન લેવું પડે. જ્યાં ચરબી વધારે હોય તે ભાગમાં ઈન્જેક્શન આપવામાં આવે. આ ડોક્ટરની સલાહ વગર લેવાય પણ નહીં. હા, શરત એ કે જીવનભર ઈન્જેક્શન લેતા રહેવાનું તો વજન કંટ્રોલમાં રહે.


નેશનલ ફેમિલી હેલ્થના સર્વે મુજબ, દેશમાં 15થી 49 વર્ષની મહિલાઓમાં મેદસ્વીનું પ્રમાણ વધ્યું છે. જેમાં શહેરી વિસ્તારની મહિલામાં 13% અને ગ્રામ્ય વિસ્તારની 6% મહિલા મેદસ્વી છે. એટલે કે, ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારની મહિલાઓમાં મેદસ્વિતાનું પ્રમાણ બેથી અઢી ગણું વધારે છે. જયારે શહેરમાં 9% પુરુષોની સામે ગામડામાં 2% પુરુષ મેદસ્વી છે.


મહિલાઓમાં મેદસ્વિતા વધવા પાછળ એક કારણ પ્રસૂતિ પણ છે. કારણ કે, પ્રસૂતિ સમયે વધેલું વજન બાળકના જન્મ પછી ઓછું કરી શકતી નથી. આગળ વાત કરી તેમ, મહિલાઓમાં પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS) પણ જવાબદાર છે. વિશ્વમાં 8થી 13 ટકા મહિલા PCOSથી પીડાતી હોય છે અને તેમાંથી 70 ટકા મહિલાઓમાં આ રોગનું નિદાન જ થયું હોતું નથી. જ્યારે ભારતની વાત કરીએ તો દેશની કુલ મહિલાઓમાંથી 10 ટકા મહિલા આ રોગથી પીડાય છે. PCOS પણ જાડાંપણાં માટે જવાબદાર છે.


પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS) એ સ્ત્રીઓના અંડાશયને લગતો એક ગંભીર રોગ છે અને હાલમાં સમગ્ર વિશ્વમાં તેનાથી પીડિત મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. PCOSના કારણે મહિલાઓના શરીરમાં હોર્મોનલ સંતુલન ખોરવાઈ જાય છે, જેના કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાને પોલિસિસ્ટિક ઓવરી ડિસીઝ (PCOS) તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓ પીસીઓએસ અને પીસીઓડી બંને નામો વિશે મૂંઝવણમાં છે, પણ એવું કંઈ નથી. બંને સરખાં જ છે.


આ અંડાશય સંબંધિત સમસ્યા છે જેના કારણે મહિલાઓના શરીરમાં હોર્મોનલ અસંતુલન થવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓના શરીરમાં સ્ત્રી હોર્મોનને બદલે મેલ હોર્મોન (એન્ડ્રોજન)નું સ્તર વધવા લાગે છે. PCOSને કારણે અંડાશયમાં ઘણા સિસ્ટ્સ બનવાનું શરૂ થાય છે. આ ગઠ્ઠો નાની કોથળીઓના આકારમાં હોય છે અને પ્રવાહીથી ભરેલા હોય છે. ધીમે ધીમે આ ગઠ્ઠો મોટો થવા લાગે છે અને પછી તે અંડાશયની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે. અંડાશયની પ્રક્રિયામાં અવરોધ ઊભો થવાના કારણે PCOSથી પીડિત મહિલાઓમાં ગર્ભાવસ્થાની શક્યતા ઓછી થઈ જાય છે. PCOS હોવાને કારણે મહિલાઓમાં ટાઇપ-2 ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. ટાઈપ-2 ડાયાબિટીસ વજન વધારી દે છે. એટલે શહેરોની સ્થૂળ મહિલાઓએ વોકિંગ કરવું જોઈએ, કસરત કરવી જોઈએ, લો કેલેરી ફૂડ લેવું જોઈએ.