અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં મતદાન પહેલાં આતંકવાદીએ 2 વાર હુમલા કર્યા

મતદાન પહેલાં 2 આતંકવાદી હુમલા

 
અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં મતદાન પહેલાં  આતંકવાદીએ  2 વાર હુમલા કર્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શનિવારે રાત્રે આતંકવાદીઓએ એક પ્રવાસી યુગલને ગોળી મારી દીધી. જેમાં પતિની હાલત ગંભીર છે. તેઓ રાજસ્થાનના જયપુરના રહેવાસી છે. મહિલાનું નામ ફરાહ અને તેના પતિનું નામ તબરેઝ છે. બંનેને પહેલા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને જોતા જીએમસી અનંતનાગ રિફર કરવામાં આવ્યાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર કપલ પહેલગામના યાનેર વિસ્તારમાં ફરવા માટે આવ્યું હતું અને એક રિસોર્ટમાં રોકાયાં હતાં. એક કલાકમાં આ બીજો આતંકવાદી હુમલો છે. બીજી તરફ શોપિયા જિલ્લાના હુરપોરા વિસ્તારમાં પૂર્વ સરપંચ એઝાઝ અહેમદ શેખને આતંકવાદીઓએ ગોળી મારી છે. આ પહેલાં 4 મેના રોજ પૂંછમાં એરફોર્સના જવાનો પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો. હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ હુમલો પૂંછના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોનાં બે વાહનો પર ભારે ગોળીબાર કર્યો હતો. આ વાહનોમાંથી એક એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યાં હતાં. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચને પાર કરી ગઈ હતી. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયુસેનાના ગરુડ સ્પેશિયલ ફોર્સને ઘટનાના વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. વાયુસેનાએ એક્સ પર જણાવ્યું કે અમારા જવાનોએ પણ આતંકવાદીઓ પર જવાબી કાર્યવાહી કરી.


7 ફેબ્રુઆરી, 2024ના રોજ, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં, આતંકવાદીઓએ હબ્બા કદલ વિસ્તારમાં શીખ સમુદાયના બે લોકોને AK-47 રાઈફલથી ગોળી મારી હતી. અમૃતસરના રહેવાસી અમૃત પાલ (31)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અમૃતસરના રહેવાસી રોહિત (25)ને પેટની ડાબી બાજુએ ગોળી વાગી હતી. જેનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

26 ફેબ્રુઆરી 2023ની સવારે પુલવામામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરી નાખી હતી. તે તેના ગામમાં રક્ષક તરીકે કામ કરતો હતો. તે સવારે ફરજ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારબાદ આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો. 29 મે 2023ના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ દ્વારા એક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ દીપક કુમાર (દીપુ) તરીકે થઈ હતી.

દીપક જમ્મુના ઉધમપુરનો રહેવાસી હતો અને અનંતનાગના જંગલાત મંડીમાં સર્કસ મેળામાં કામ કરતો હતો. જ્યારે તે શહેરમાંથી પાણી લેવા ગયો ત્યારે આતંકવાદીઓએ તેને ખૂબ જ નજીકથી ગોળી મારી દીધી હતી.તેના ભાઈએ જણાવ્યું હતું કે 26 વર્ષનો દીપક પરિવારમાં એકમાત્ર કમાતો વ્યક્તિ હતો. ઘટનાના એક દિવસ પહેલાં જ તેની સાથે ફોન પર વાત થઈ હતી. તેણે કહ્યું હતું કે તે ઘરખર્ચ માટે થોડા પૈસા મોકલી આપશે. ભાઈએ કહ્યું કે મારી આંખો છેલ્લાં ચાર વર્ષથી ખરાબ છે. મારા પિતા જોઈ શકતા નથી, તેઓ કામ કરી શકતા નથી. અમને ન્યાય જોઈએ છે. આ ઘટનાના વિરોધમાં અનંતનાગ સિવિલ સોસાયટીએ અનંતનાગમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.