અપડેટ@દેશ: દાવો- ઇઝરાયલે સીરિયામાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો, 38 લોકોનાં મોત નીપજ્યા

હિઝબુલ્લાહના 5 સભ્યો પણ માર્યા ગયા હતા.
 
અપડેટ@દેશ: દાવો- ઇઝરાયલે સીરિયામાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો, 38 લોકોનાં મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ​​​​​હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયલે ગુરુવારે મોડી રાત્રે સીરિયાના શહેર અલેપ્પો પર એરસ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ઈરાન સમર્થિત હિઝબુલ્લા સંગઠનના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં 38 લોકોના મોત થયા હતા, જેમાં સૈનિકો અને નાગરિકોનો સમાવેશ થાય છે. આ દરમિયાન હિઝબુલ્લાહના 5 સભ્યો પણ માર્યા ગયા હતા.

વોર મોનિટરના અહેવાલ મુજબ, સીરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઇઝરાયલે આ હુમલો મોડી રાત્રે લગભગ 1:45 વાગે કર્યો હતો. 2 કલાક સુધી ધડાકા સંભળાઈ રહ્યા હતો. આ દરમિયાન કેટલાક આતંકી સંગઠનોએ ઇદલિબ શહેરમાંથી ડ્રોન હુમલા પણ કર્યા હતા. જો કે, ઇઝરાયલે હજુ સુધી આ હુમલાની પુષ્ટિ કરી નથી.

ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆતથી, ઇઝરાયલની સેનાએ સીરિયામાં ઘણી વખત એરસ્ટ્રાઈક કરી છે. જાન્યુઆરીમાં, ઈરાને દાવો કર્યો હતો કે ઇઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ઈમારત પર એરસ્ટ્રાઈક કર્યો હતો.

ન્યૂયોર્ક ટાઈમ્સે ઈરાની મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે હુમલામાં 4 ઈરાની સૈન્ય સલાહકારો અને સીરિયા માટેના ઈરાની સેનાના ચીફ ઈન્ટેલિજન્સ ઓફિસર માર્યા ગયા હતા.


2011માં ગૃહ યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલે સીરિયામાં સેંકડો હવાઈ હુમલાઓ કર્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ ઇઝરાયલે સીરિયા પર મિસાઈલો ઝીંકી હતી. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. જે વિસ્તારમાં આ હુમલો થયો છે ત્યાં સીરિયાની સુરક્ષા એજન્સી, ગુપ્તચર મુખ્યાલય અને વરિષ્ઠ અધિકારીઓના ઘર છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના જણાવ્યા અનુસાર, તેઓ એવા સ્થળો પર હુમલો કરે છે જ્યાં આ ઈરાન તરફી જૂથોના હથિયારો મોટી માત્રામાં રાખવામાં આવે છે. આ જૂથોમાં લેબનોનનું હિઝબુલ્લા સંગઠન મુખ્ય રીતે સામેલ છે. ઇઝરાયલના હવાઈ હુમલાઓ વારંવાર સીરિયન એર-ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવે છે.

ખરેખરમાં, ઇઝરાયલ તેની ઉત્તરીય સરહદ પર ઈરાની ઘૂસણખોરીથી ભયભીત રહે છે અને તેના કારણે તે ઈરાનના ઠેકાણાઓ અને લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કરતું રહે છે.

હિઝબુલ્લાહનો શાબ્દિક અર્થ થાય છે 'ઈશ્વરનું દળ'. હિઝબુલ્લાહ લેબનોનના શિયા મુસ્લિમોનો આતંકવાદી સંગઠન અને રાજકીય પક્ષ છે. આ સંગઠન ઈરાનના શિયા મુસ્લિમોના સિદ્ધાંતોને અનુસરે છે. 1982 માં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે લેબનોનમાં પ્રવેશેલા ઇઝરાયલના લોકોને મારવા માટે હિઝબુલ્લાહની સ્થાપના કરી.

હિઝબુલ્લાહ ઈરાન અને સીરિયા તરફથી રાજકીય, વૈચારિક અને સૈન્ય સમર્થન મળી રહ્યું છે, જેના કારણે ઇઝરાયલ ઈરાનના આ સંગઠનનો વિરોધ કરે છે.