અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરના ડોડામાં 2 વખત વાદળ ફાટ્યું, MP-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ-કાશ્મીરના ડોડામાં આજે 2 વખત વાદળ ફાટ્યું. ભલેસાના કલાલગીસર વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું. પુષ્કળ કાટમાળ પહાડી પરથી વહીને રસ્તા પર આવી ગયો. જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા.
અરુણાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. અંજો જિલ્લાના સારતી ગામમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું.
આ પહેલા કીયી પન્યોરમાં પૂરના પાણીમાં 3 લોકો તણાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર 2 લોકો ગુમ છે. 28 જિલ્લાના 90 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
આ તરફ, મધ્યપ્રદેશના હરદા-ખરગોનમાં વીજળી પડવાથી 3 લોકોનાં મોત થયા, જ્યારે બેતુલમાં એક જ પરિવારના ચાર લોકો દાઝી ગયા. બીજી તરફ, ચંપા નદીના ઉછાળામાં બાઇક સહિત બે યુવકો તણાઈ ગયા.
બિહારમાં પણ વીજળી પડવાથી 5 લોકોનાં મોત થયા. યુપીના સોનભદ્રમાં મંગળવારે સાંજે 4 વાગ્યે પિકનિક મનાવવા ગયેલા 3 લોકો વરસાદી નાળાના તેજ પ્રવાહમાં તણાઈ ગયા. એકનું મોત થયું.
ઉત્તરાખંડમાં વરસાદને કારણે દેહરાદૂનમાં રિસપના નદી ગાંડીતૂર બની છે. ગંગાના વધતા જળસ્તરને જોતા ઋષિકેશમાં મંગળવાર સાંજથી 31 ઓગસ્ટ સુધી રાફ્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

