અપડેટ@દેશ: લખનઉમાં ત્રણ માળની બિલ્ડિંગમાં અચાનક આગ, 6 લોકો જીવતાં ભડથું

10-12 લોકો અંદર ફસાયેલા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ફરી એકવાર આગ લાગવાની ભયાનક ઘટના સામે આવી છે.યુપીની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. અહીં બીજા માળે ચાલી રહેલી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ આગમાં ફસાઈ ગયા હતા. એક બાળકે પહેલા માળેથી કૂદીને જીવ બચાવ્યો, પરંતુ તે નીચે ગ્રીલ પર પડ્યો અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. લોકોએ એ યુવકને ઉઠાવીને રોડની બીજી બાજુ કર્યો હતો.

ફાયર બ્રિગેડની આશરે 10 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ આગ ઓલવવાની કામગીરીમાં લાગેલું છે. ફાયર વિભાગના કર્મચારીઓએ બિલ્ડિંગની પાછળની દીવાલ તોડી નાખી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 10-12 લોકો અંદર ફસાયેલા છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ઘટનાસ્થળે પહોંચ્યા છે. અંદાજે 14 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે. ફાયર ફાઈટરો દીવાલ તોડીને બિલ્ડિંગની અંદર દાખલ થયા છે. અંદરથી 6 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.

બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ અને પહેલા માળે પેટ શોપ અને ક્લિનિક હતા. બીજા માળે 'લર્નિંગ સ્પેસ' નામની લાઇબ્રેરી  અને 'હેડ હોપર સ્ટુડિયો' હતો, જેમાં 3D આર્ટ પ્રોડક્શન અને ગેમ એસેટ આઉટસોર્સિંગનું કામ થતું હતું.

આલમબાગથી આવેલા પ્રભજોત સિંહે જણાવ્યું કે, "મારો દીકરો એનિમેશન આર્ટિસ્ટ છે. તે અહીં જ કામ કરે છે. તેણે સવા બે વાગ્યે ફોન કરીને કહ્યું કે, 'પપ્પા બચાવી લો, અહીં આગ લાગી ગઈ છે.' હું દોડીને અહીં આવ્યો છું. હજી મારો દીકરો મળ્યો નથી."