અપડેટ@દેશ: આયોજિત સમિટ ઓફ સક્સેસ કાર્યક્રમમાં PM મોદીએ ગોધરાકાંડનો ઉલ્લેખ કરતા વિપક્ષ પર આકરો પ્રહાર કર્યો

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પલટવાર કર્યો 
 
અપડેટ@દેશ: આયોજિત સમિટ ઓફ સક્સેસ કાર્યક્રમમાં PM મોદીએ ગોધરાકાંડનો ઉલ્લેખ કરતા વિપક્ષ પર આકરો પ્રહાર કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 વાયબ્રન્ટ સમિટના 20 વર્ષ પુરા થવા પર આયોજિત સમિટ ઓફ સક્સેસ કાર્યક્રમમાં  PM મોદીએ ગોધરાકાંડનો ઉલ્લેખ કરતા વિપક્ષ પર આકરો પ્રહાર કર્યો. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે અનેક લોકોએ ગુજરાત વિરુદ્ધ એજન્ડા ચલાવ્યા અને ગુજરાત વિશે અફવા ફેલાવી. કેન્દ્રની UPA સરકારે ઉદ્યોગપતિઓને ધમકાવવાનુ કામ કર્યુ. અનેક લોકોએ એવી અફવા ફેલાવી હતી કે હવે તો ગુજરાતી ઉદ્યોગપતિઓ ગુજરાતની બહાર જતા રહેશે અને ગુજરાત સંપૂર્ણપણે કંગાળ રાજ્ય બની જશે.

પીએમના આ પ્રહાર પર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પલટવાર કર્યો છે અને જણાવ્યુ કે તત્કાલિન પીએમ અટલ બિહારી વાજપેયીએ પણ રાજધર્મ નિભાવવા કહ્યુ હતુ. ગુજરાતમાં આ બધુ બન્યુ હતુ ગુજરાતની જનતા જાણે જ છે. જ્યારે એમના જ સત્તાધારી પક્ષના વડાપ્રધાન સલાહ આપી ચુક્યા હોય ત્યારે મારે કંઈ કહેવાનુ રહેતુ નથી.

વાઈબ્રન્ટ સમિટની સફળતાના આંકડા સામે શક્તિસિંહે સવાલ ઉઠાવ્યા અને રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટ દ્વારા થયેલા MOU અને થયેલા એક્ચ્યુઅલ રોકાણ અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરી છે. લાખો લોકોને રોજગાર મળવાના દાવા સામે કેટલા લોકોને રોજગાર મળ્યો તે સરકાર જાહેર કરે તેવી પણ માગ કરી છે. શક્તિસિંહે ઉમેર્યુ કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાત કોઇ પણ વાઇબ્રન્ટ વિના રોકાણમાં નંબર 1 હતું. આજે દિલ્હીમાં તમારી સરકાર છે, રોડા નાખનાર કોઇ નથી ત્યારે ગુજરાત રોકાણમાં ક્યાં નંબરે છે તેવો સવાલ કર્યો. વધુમાં તેમણે જણાવ્યુ કે એશિયાની સૌથી મોટી બે રીફાઇનરી ગુજરાતમાં કોંગ્રેસ સરકારમાં આવી. પંચમહાલમાં જનરલ મોટર્સ ઓટોમોબાઇલ કંપની કોંગ્રેસના શાસનમાં સ્થપાઇ.

UPA સરકાર ઉદ્યોગપતિઓને ધમકાવતી હોવાનો આરોપ પાયાવિહોણો- શક્તિસિંહ

ગુજરાતમાં કોઇ રોકાણ કરવા આવે તો તેને કેન્દ્ર સરકાર ધમકાવતી તે પીએમ મોદીનો આક્ષેપ સંપુર્ણ પાયાવિહોણો હોવાનુ શક્તિસિંહે જણાવ્યુ. જો પ્રધાનમંત્રી પાસે સાચી માહીતી હોય તો તે જણાવે અથવા કાંગ્રેસના નેતા સામે કેસ કરે. વધુમાં તેમણે જણાવ્યુ કે અડવાણી અને અરૂણ જેટલી સહિતના વિપક્ષના નેતાઓએ ક્યારેય આ અંગે ગૃહમાં બોલ્યા નથી.