અપડેટ@દેશ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, જાણો સમગ્ર દુર્ઘટના

આ અકસ્માતમાં અજિત પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા છે.
 
અપડેટ@દેશ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, જાણો સમગ્ર દુર્ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે એક ભયાનક પ્લેન દુર્ઘટના સર્જાઈ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. બુધવારે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અજિત પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા છે.

પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે જનસભાને સંબોધવા બારામતી જઈ રહ્યા હતા. મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ માટે એપ્રોચ કરી રહ્યું હતું. પહેલીવારમાં પાઇલટને રનવે સ્પષ્ટ દેખાયો નહીં, તેથી તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો.

પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિમાન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું હતું. તેના તરત જ બાદ તેમાં આગ લાગી ગઈ હતી. એવી પણ માહિતી મળી છે કે લેન્ડિંગ દરમિયાન પાઇલટે કોઈ ઈમરજન્સી સિગ્નલ આપ્યું નહોતું. તેણે ‘મેડે’ કોલ પણ કર્યો નહોતો. ઘટના સમયે બારામતીના ફ્લાઈંગ ક્લબમાં કોઈ વિમાન ઉડાન પર નહોતું.

દુર્ઘટના સમયે અજિતના કાકા શરદ પવાર મુંબઈમાં અને સુપ્રિયા સુલે દિલ્હીમાં હતા. જાણકારી મળતા જ તેઓ પરિવાર સાથે બારામતી જવા રવાના થઈ ગયા હતા.

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે આજે શાળાઓમાં રજા જાહેર કરી છે, સાથે જ રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.