અપડેટ@દેશ: મોદીના શપથનું મુહૂર્ત 9 તારીખે સાંજે 7.07 વાગ્યે, જાણો વધુ વિગતે

 સાંજે 7.07 વાગ્યે જ કેમ?

 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લેશે. આ માટે પાડોશી દેશોના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મોદીની શપથવિધિમાં દેશભરમાંથી પણ અનેક રાજકીય, સામાજિક-ધાર્મિક આગેવાનો તેમજ બિઝનેસમેન અને કલાકારો પણ ઉપસ્થિત રહેશે.

બે વખત સ્પષ્ટ બહુમતી બાદ આ વખતે નરેન્દ્ર મોદી સાથીપક્ષોના ટેકાથી સરકાર બનાવી રહ્યા છે. ગઠબંધનવાળી આ સરકાર તેનો કાર્યકાળ પૂરો કરશે કે કેમ એ અંગે લોકોમાં સંશય છે. જોકે મોદી સરકારની શપથવિધિ માટે જે મુહૂર્ત કાઢવામાં આવ્યું છે એ આ શંકાને દૂર કરે છે. મુહૂર્ત મુજબ ભારતને દુનિયામાં વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે.

આ અંગે દિવ્ય ભાસ્કરે નરેન્દ્ર મોદીને શપથવિધિનું મુહૂર્ત પ્રદાન કરનાર અમદાવાદના વિશ્વ વોરા સાથે વાતચીત કરી હતી. નરેન્દ્ર મોદીની શપથવિધિ માટે 9 જૂનનું જ મુહૂર્ત કેમ કાઢવામાં આવ્યું? આ તારીખમાં શું ખાસ છે? 9 જૂનના રોજ કયા ખાસ સમયે મોદી શપથ લેશે? મુહૂર્તથી ભારતનું રાજકીય ભવિષ્ય કેવું રહેશે? સહિતના સવાલોના જવાબો જાણ્યા હતા.

વિશ્વ વોરાએ કહ્યું, હું અયોધ્યા રામમંદિર મુહૂર્ત પ્રદાન કમિટીનો સભ્ય હતો. નરેન્દ્ર મોદીની શપથવિધિ માટેના મુહૂર્તનું કામ આજ કમિટીને સોંપવામાં આવ્યું હતું. આ માટે અમે છેલ્લાં 15થી 20 દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા. શાસ્ત્રો અને પાઠોની વાતચીત ચાલી રહી હતી. જે દિવસે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એ દિવસે 4 જૂનના રોજ પીએમ ઓફિસમાં અમે મુહૂર્ત પ્રદાન કર્યું હતું. આ જ મુહૂર્ત મુજબ 9 જૂનના રોજ હવે નવી સરકારની શપથવિધિનું કાર્ય કરવામાં આવશે.


9 તારીખની વિશેષતા વિશે વાત કરતાં વિશ્વ વોરાએ કહ્યું, નરેન્દ્ર મોદી આ વખતે ભારતના પ્રધાનમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લેશે. શપથવિધિ એ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. એમાં મુહૂર્તની ખૂબ આવશ્યકતા હોય છે, એટલે તેમના માટે 9 જૂનનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. એમાં તિથિ જેઠ સુદ ત્રીજ છે અને રવિવારનો વાર છે. નક્ષત્ર પુનર્વસુ છે, જે દેવગણનું નક્ષત્ર છે. તમામ શુભ સ્થિર કાર્યોમાં એને માનવામાં આવ્યું છે, એથી પણ વિશેષ કે પ્રભુ શ્રીરામનો જન્મ પણ પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો, સાથે સાથે વૃદ્ધિ યોગ છે, કરણ વણિજ છે અને અમૃત યોગ નૈમિત્તિક યોગ બની રહ્યા છે, જે ભારતના વિકાસને દર્શાવી રહ્યો છે. આ ઉપરાંત ઈષ્ટ દિવસની ચંદ્ર રાશિ કર્ક છે. ભારતની કુંડળીની પણ ચંદ્ર રાશિ કર્ક રાશિ છે. એની સાથે સંમેલિત કરીને ચંદ્ર રાશિ પણ કર્ક ગ્રહણ કરવામાં આવી છે.


વિશ્વ વોરાએ કહ્યું, દિવસ બાદ મુહૂર્તના શુભ સમયની વાત કરીએ તો શુભ સમય 6 વાગ્યાને 18 મિનિટ પછીનો લેવામાં આવ્યો છે. એમાં પણ વિશેષ 7 વાગ્યા ને 7 મિનિટથી લઈને 7 વાગ્યા ને 35 મિનિટ સુધીનો શુભ સૂક્ષ્મ સમય લેવામાં આવ્યો છે. આ માટેનાં ગણિત અને ધારાધોરણની વાત કરીએ તો વૃશ્ચિક લગ્ન જે સ્થિર લગ્ન અને ખૂબ જ પ્રભાવક તથા ઉત્તેજના આપતું લગ્ન છે, જે નક્કી કરવામાં આવ્યું છે. 2014, 2019ની શપથવિધિમાં પણ આ જ લગ્ન લેવામાં આવ્યું છે. આમાં કુંભ અને મીન નવમાંશ લેવામાં આવ્યાં છે, જેમાં તમામ ગ્રહ વ્યવસ્થાઓ ખૂબ જ શુદ્ધ અને સૂચારુ રૂપમાં છે, લગ્નેશ પોતે પણ સ્વગૃહી છે. મંગળ, ચંદ્ર પોતે સ્વગૃહી છે. બુધ, શુક્ર, ગુરુ, સૂર્ય એ 7માં ભુવનમાં બેસીને લગ્નને જુએ છે, જે ભારતની ભૂમિકાને હજી પ્રબળ બનાવે છે.


વિશ્વએ વધુમાં કહ્યું- આ દિવસે લગ્ન અને નવમાંશનો પણ પરસ્પર મેળાપ બહુ જ સારો છે. વિશેષ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નામ રાશિ વૃશ્ચિક છે અને ભારતના પણ જે વૃષભ લગ્ન સાથે સમસપ્તક અનુસંધાન છે. રાશિ સાથે પણ નવપંચંમનો લાભ યોગ છે. બીજા મુદ્દા તરીકે જોઈએ તો એ સમયે ગૌધુલિક નામનું સંધ્યા વિજય મુહૂર્ત પણ છે, જે તમામ કાર્યોમાં શાસ્ત્રોક્ત ભાષામાં ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, એટલે આ બધા શુભ દિન અને સમયના સંયોગથી એ દિવસે શપથવિધિનું કાર્ય થશે.


વિશ્વ વોરાએ કહ્યું, પહેલાંના સમયમાં જ્યારે ગાયો ગૌચર માટે જતી હતી એ પછી એ આખો દિવસ ત્યાં ચરતી હતી. એ પછી જ્યારે સંધ્યાનો સમય થાય, એટલે કે સૂરજ આથમવાનો સમય થાય ત્યારે એ પાછી ફરતી હોય. એ સમયે ગાયોનું આખું ઝુંડ આવતું હોય એ સમયે રસ્તામાં રહેલી ધૂળ-માટી ઊછળતી હતી. એ સમયે આખું વાતાવરણ ધૂળવાળું બની જતું એટલે ગાયોના પગ દ્વારા ઊછળતી માટી, એ સમયની ઘડી એ ખૂબ જ શુભ માનવામાં આવતી હતી. એ સમયે મોટા યજ્ઞો, વિધિ વિધાન અને ઇત્યાદિ કાર્યો પણ આ સમયે થતાં હતાં. શાસ્ત્રોમાં જે ત્રણ વિજય મુહૂર્ત દર્શાવવામાં આવ્યાં છે એ ત્રેતાર, મઘ્યાન અને સંધ્યા છે. એમાં સંધ્યા મુહૂર્ત પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. અયોધ્યામાં જ્યારે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી એ સમયે મઘ્યાન વિજય મુહૂર્તની પસંદગી કરવામાં આવી હતી. એ સમયે પણ વૃષ્ટિક નૌમાંશ હતું. આ વખતે ગૌધુલિક વિજય મુહૂર્ત પર ભાર આપીને વૃષ્ટિક લગ્નને લેવામાં આવ્યું છે, જે કાયમ શુભ સાબિત થયું છે. એ ભારતના ભવિષ્યને હજી ઉજ્જવળ બનાવવામાં અને વિશ્વગુરુ બનવા તરફ આગળ વધારશે.


તેમણે કહ્યું, નરેન્દ્ર મોદીના શપથ માટે જે મુહૂર્ત કાઢવામાં આવ્યું છે એ સમયે કોઈપણ વ્યક્તિ કંઈ કાર્ય કરશે તો એમાં ચોક્કસપણે તેને સફળતા મળશે જ. આવો સંયોગ દર અઢી કે ત્રણ વર્ષે આવતો હોય, પરંતુ આટલું એક્યુરેટ ગ્રહ વ્યવસ્થાઓનું મળવું અને દરેક કુંડળીની અંદર દરેક ગ્રહ પોતપોતાની બેસ્ટ પોઝિશન પર આવવા એ બની શકે કે પાંચ કે દસ વર્ષે આવતું હોય છે.


આ અંગે વિશ્વ વોરાએ કહ્યું, અમારી કમિટી દ્વારા પહેલાંથી જ 9 જૂનનું મુહૂર્ત આપવામાં આવ્યું હતું, પણ 9 તારીખે જ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ હોવાથી કેવરેજના ઈસ્યુ આવી શકે છે, જેના કારણે શપથવિધિ 8 જૂન પર શિફ્ટ કરવામાં આવી હોવાની અફવા ફેલાઈ હતી.


તેમણે ઉમેર્યું હતું કે આમ પણ 8નો અંક શાસ્ત્ર પ્રમાણે અશુભ ગણવામાં આવે છે. જો તમે આપણો ઈતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે 8ના આંકડાએ ભારતને ઘણું નુકસાન કરાવ્યું છે. એ પછી ભૂકંપની વાત હોય કે પછી સુનામીની કે પછી પેન્ડેમિક હોય, આ બધાનું 8ના આંકડા સાથે કનેક્શન રહેલું છે. એટલે જ્યારે 8ની તારીખ કે આંકડો આવતો હોય ત્યારે વિશેષ રીતે એને શુભ માનવામાં નથી આવતો. એની ગ્રહ વ્યવસ્થા પણ એટલી શુદ્ધ અને સુંદર ન હોવાના કારણે આ તારીખ સાઈડમાં રાખવામાં આવી હતી.


વિશ્વ વોરાએ કહ્યું, નરેન્દ્ર મોદીનું જે વિઝન છે, દેશની જનતાનો જેમના માટે પ્રેમ અને વિશ્વાસ છે. એવામાં આ મુહૂર્તની જે વિશેષતાઓ છે એના દ્વારા ચોક્કસ એટલું કહી શકાય કે આગામી પાંચ વર્ષ જ નહીં, અનેક વર્ષ ભારત માટે અને ભારતની તમામ જનતા માટે ખૂબ જ સરસ સાબિત થશે તેમજ ભારતને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, ધાર્મિક અને શૈક્ષણિક, વ્યવહારિક સહિત બધા જ ધોરણે એને અગ્રિમ ઊંચાઈ પર પહોંચાડશે.


વિશ્વ વોરાએ કહ્યું, અયોધ્યાના રામમંદિરના મુહૂર્તની કામગીરીમાં જોડાવવાનું થયું એ મારા માટે માઈલ્ડ સ્ટોન હતો. એ ખૂબ જ સફળ અને નિર્વિધ્ન પૂર્ણ રહ્યું. આ વખતે નવું એચીવમેન્ટ એ બનવા જઈ રહ્યું છે કે એક 21 વર્ષનો બાળ યુવાન શપથ માટેનું મુહૂર્ત આપશે.


નરેન્દ્ર મોદી માટે હું ચાઈલ્ડ પ્રોડીજી છું, જ્યારે ગુજરાતી ગુજરાતીને મળે છે ત્યારે એક અલગ જ પ્રભાવ ક્ષેત્ર બનતો હોય છે. તેમને જ્ઞાન માટે અને જ્ઞાની લોકો માટે ખૂબ જ સન્માન છે, એટલે ત્યાં ઉંમર એટલી મેટર નથી કરતી, જ્ઞાની તરીકે પ્રભાવક સ્તર અને સંબંધ કેળવાયેલો છે. જ્યારે પણ મુલાકાત થાય છે અને જ્યારે પણ ચર્ચાવિચારણા થાય કે કંઈક મોકલાવીએ તો એને ખૂબ જ ભારપૂર્વક અને ગૌરવપૂર્ણ રૂપે સ્વીકારતા હોય છે.


વિશ્વ વોરાએ કહ્યું, અમારી જે કમિટી છે એમાં સાતેક લોકો છે. એમાં મુખ્ય સ્થાન શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડજીનું છે. અયોધ્યામાં પણ તેઓ મુખ્ય ભૂમિકામાં હતા અને આમાં પણ મૂખ્ય ભૂમિકામાં જ છે. તમામ મુહૂર્ત હોય કે જ્યોતિષ અંગેની કોઈ પણ ચર્ચા હોય ત્યારે એમના દ્વારા જ પાસ આઉટ થઈને નરેન્દ્ર મોદી સુધી પહોંચતી હોય છે. તેઓ જ્ઞાનમાં ખૂબ જ વડીલ છે અનુભવ પણ ખૂબ જ છે. એમની નિશ્રા હેઠળ આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે.


વિશ્વ વોરાએ કહ્યું, 'હું જ્યારે 7 વર્ષનો હતો ત્યારે મારાં માતા-પિતાએ મને સાબરમતીમાં આવેલી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ગુરુકુળમાં અભ્યાસ માટે મૂક્યો હતો, જ્યાં મેં 64 અને 72 કળા અને વિદ્યાઓનું અધ્યયન કર્યું. મને પહેલેથી જ પ્રાથમિક જ્યોતિષના અષ્ટાંગના અભ્યાસ માટે વિશેષ રુચિ હતી, જેથી મેં સંસ્કૃતના ગ્રંથો થકી ખૂબ જ ઊડાણપૂર્વક અને સચોટ અભ્યાસ કર્યો છે. આજે જે વિકૃતિનું વાવાઝોડું બધે જ પ્રસરાઈ રહ્યું છે એનાથી બચવા અને સંસ્કાર સાથે શિક્ષણ આપવાના પ્રબળ કોન્સેપ્ટને લઈને મારાં માતા-પિતાએ મને ગુરુકુળમાં મૂક્યો હતો, જે પૂજ્ય હિતરુચિવિજયજી મહારાજથી પ્રેરિત થયેલ છે, જેનું સંચાલન ઉત્તમભાઈ શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે. '

વિશ્વ વોરાએ કહ્યું, 'મેં ગુરુકુળમાં જે જે અભ્યાસ કર્યો હતો એ સાંસ્કૃતિક અને સંપૂર્ણપણે ગ્રંથો આધારિત અભ્યાસ હતો. અહીં જે વિદ્યાઓ અને કળાઓ આજના સમયમાં લુપ્ત થઈ રહી છે એને પુનઃજાગ્રત કરવામાં આવી રહી છે. વિદ્યા અને કળાએ જ પશુ અને મનુષ્ય વચ્ચેની ભેદ રેખા છે, જે વિચારને ધ્યાનમાં રાખીને એ સમયે નવું ઇનિશિયેટિવ લઈ મારાં માતા-પિતાએ મને ગુરુકુળમાં મૂકીને કર્યું, જેનું સફળ ઉદાહરણ તેઓ આજે જોઈ રહ્યા છે.'

તેણે કહ્યું, 'મેં 'સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' સંસ્કૃત વ્યાકરણ અને ન્યાયનો અભ્યાસ કર્યો છે, જેના આધારે જ્યોતિષના તમામ પ્રાચીન અને સિદ્ધાંતભૂત ગ્રંથોનો અભ્યાસ કરવાનો મને લાભ પ્રાપ્ત થયો. એમાં આચાર દિનકર, આરંભ સિદ્ધિ, મુહૂર્ત માર્તંડ, મુહૂર્ત દીપિકા, કલ્યાણ કલિકા અને પારાશર શાસ્ત્ર વગેરે ગ્રંથોનો સંસ્કૃત દ્વારા અભ્યાસ કર્યો અને એના દ્વારા ગૂઢ રહસ્યો અને બીજમંત્રોનો એક આસ્વાદ પ્રાપ્ત થયો, જેનાથી આજની દુનિયા અને શિક્ષણ વંચિત છે. તો એ દ્વારા જ્યોતિષ વિશારદ, જ્યોતિષ રત્ન અને જ્યોતિષ વિભૂષણની પણ ડિગ્રી પ્રાપ્ત થઈ છે.'

વિશ્વ વોરાએ કહ્યું, 'ગુરુકુળમાં મેં સંસ્કૃત, અંગ્રેજી, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, વૈદિક ગણિત, ગણિત, જ્યોતિષ, આયુર્વેદ, વાસ્તુ, હસ્તરેખા, જ્યોતિષનાં અષ્ટાંગો, સાથે જ ગીત, સંગીત, વાધ્ય, નૃત્ય અને તમામ પ્રકારની શારીરિક કળાઓનો અભ્યાસ કર્યો છે. મને મૂળ તો જ્યોતિષ અને એનાં અષ્ટાંગોમાં વધુ રુચિ રહેલી છે, જેમાં મુહૂર્ત, હસ્તરેખા, કુંડળી, પ્રશ્ન કુંડળી, વાસ્તુ, શિલ્પ, અંકશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામૃદ્રિક શાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે.'

વિશ્વ વોરાએ વધુમાં કહ્યું, 'જ્યોતિષ દરેકના જીવન સાથે સંકળાયેલી કળા છે, જે દરેકના જીવનમાં પ્રકાશ અને નવી દિશા બતાવે છે. આજના સમયમાં જો કોઈ વ્યક્તિ 10 ફૂટના 10-10 કૂવા ખોદે અને કોઈ વ્યક્તિ 100 ફૂટનો એક કૂવો ખોદે ને જે સફળતા પામે. એવી જ રીતે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે જ્યોતિષનું માર્ગદર્શન લઈને આગળ ચાલે તો તે વ્યક્તિનો ઓછો સમય અને શક્તિ સંસાધન વપરાશે અને એટલી જ સફળતા મળશે.'


વિશ્વ વોરાએ પોતાના પરિવારના સભ્યો વિશે જણાવતાં કહ્યું, 'મારા પરિવારમાં માતા-પિતા અને મારાથી નાનો એક ભાઈ છે. મારા પિતાજી જયેશભાઈ વોરા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે, માતા સેજલ બેન ગૃહિણી છે. જ્યારે નાનો ભાઈ ધ્યાન 15 વર્ષનો છે અને તે પણ પણ હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છે.'

મૂળ બનાસકાંઠાના થરાદ ગામના વતની અને વર્ષોથી અમદાવાદમાં રહેતા વિશ્વ વોરાએ 21 વર્ષની ઉંમરમાં સંસ્કૃત અને જ્યોતિષમાં મહારથ હાંસલ કર્યો છે. ભારતમાં હાલ માત્ર 4 લોકો બીજમંત્રની પ્રણાલી જાણે છે, વિશ્વ વોરા તેમાંથી એક છે. તેણે માત્ર 9.5 વર્ષની ઉંમરમાં 'સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. છેલ્લાં 250 વર્ષના ઈતિહાસમાં આ ગ્રંથનો આટલો ઊંડાણપૂર્વક આટલી નાની વયે કોઈએ નથી કર્યો. આ રેકોર્ડ માટે તેને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ બાલશ્રી અને બાલ તેજસ્વીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેણે પોતાના જ્ઞાનથી જ્યોતિષ વિશારદ, જ્યોતિષ વિભૂષણ અને જ્યોતિષ રત્ન સહિતની ઉચ્ચ ડિગ્રીઓ મેળવી છે.