અપડેટ@દેશ: ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, જાણો વધુ વિગતે

એપ આતંકીઓની પહેલી પસંદ

 
અપડેટ@દેશ: ટેલિગ્રામના અબજોપતિ CEO પાવેલની ધરપકડ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ટેલિગ્રામનાં CEOની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કોમ્યુનિટી એપ ટેલિગ્રામના ફાઉન્ડર અને CEO પાવેલ દુરોવની શનિવારે સાંજે પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, દુરોવ પોતાના પ્રાઈવેટ જેટમાં ફ્રાન્સ પહોંચ્યા હતા. ફ્રાન્સ પોલીસ ટેલિગ્રામ પર કન્ટેન્ટ મોડરેટરના અભાવની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોડરેટરના અભાવને કારણે મેસેજિંગ એપ્લિકેશન પર ક્રિમિનલ એક્ટિવિઝમે અવરોધ વિના ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મામલામાં સીઇઓ દુરોવ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

હાલમાં આ મામલે ટેલિગ્રામ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ફ્રાન્સના ગૃહ મંત્રાલય કે પોલીસે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. રશિયાના વિદેશ મંત્રાલયે પ્રશ્ન કર્યો છે કે શું પશ્ચિમી એનજીઓ (બિન-સરકારી સંસ્થાઓ) દુરોવની મુક્તિની માગ કરશે.
અહેવાલો અનુસાર, ISISએ 2015ના પેરિસ હુમલા માટે પોતાનો સંદેશ આપવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કર્યો હતો. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં પોવેલે કહ્યું હતું કે 'મને લાગે છે કે આતંકવાદ જેવી ખરાબ ઘટનાઓના ડર કરતાં ગોપનીયતાનો અધિકાર વધુ મહત્ત્વપૂર્ણ છે.'

ઓક્ટોબર 2015 સુધીમાં ISISની ચેનલના 9 હજાર ફોલોઅર્સ થઈ ગયા હતા. નવેમ્બર 2015માં, ટેલિગ્રામે ISISનો પ્રચાર ફેલાવવા માટે વપરાતી 78 ચેનલને બ્લોક કરી હતી.
રશિયામાં રહેતા બે ભાઈઓ- પાવેલ દુરોવ અને નિકોલાઈ દુરોવે 2013માં ટેલિગ્રામની શરૂઆત કરી હતી. પહેલા iOS માટે અને પછી એન્ડ્રોઇડ માટે લોન્ચ કરવામાં આવી હતી.

એને લોન્ચ કરવા પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ વિશ્વને એક સુરક્ષિત અને વિશ્વસનીય મેસેજિંગ એપ આપવાનો હતો. આ માટે તેમને પોતાનો દેશ છોડવો પડ્યો હતો.​​​​​​


આ 2006ની વાત છે. સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટીમાંથી નીકળેલા પાવેલ દુરોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડિઝાઇન કર્યું છે, જેને VKontakte નામ આપવામાં આવ્યું હતું. એને VK તરીકે પણ ઓળખવામાં આવે છે. રશિયનમાં એનો અર્થ 'ઇન-ટચ' થાય છે.

મૂળ રીતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલું આ પ્લેટફોર્મ સામાન્ય લોકોમાં પણ લોકપ્રિય બન્યું હતું. જે પછી પાવેલના મોટા ભાઈ નિકોલાઈ દુરોવ કંપનીમાં ચીફ ટેક્નિકલ ઓફિસર તરીકે જોડાયા હતા.

બે વર્ષથી ઓછા સમયમાં VK રશિયન સાયબર સ્પેસમાં સૌથી લોકપ્રિય નેટવર્ક બની ગયું. 2010ના દાયકાની શરૂઆતમાં VKના 100 મિલિયન કરતાં વધુ યુઝર્સ હતા.

ડિસેમ્બર 2011માં રશિયામાં સંસદીય ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. સુરક્ષા એજન્સીનું માનવું હતું કે વિરોધીઓ કોઓર્ડિનેટ કરવા માટે VK સાઇટનો ઉપયોગ કરી રહ્યા હતા. વર્તમાન સરકાર અને સુરક્ષા એજન્સીએ કંપનીને વિપક્ષના નેતાઓના પેજ દૂર કરવા કહ્યું, પરંતુ પોવેલે તેમ કરવાનો ઇનકાર કર્યો. તેણે એક કૂતરાની તસવીર ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.

આ દરમિયાન Mail.ru કંપની સંપૂર્ણપણે VK ખરીદવા માગતી હતી. 2013માં એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પોવેલ તેની મર્સિડીઝથી એક પોલીસ અધિકારીના પગ કચડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જોકે પાવેલે સ્પષ્ટતા કરી હતી કે તે કાર ચલાવી રહ્યો નહોતો.

થોડા સમય પછી પોલીસે પાવેલના ઘર અને VKની ઓફિસ પર દરોડા પાડ્યા. થોડા દિવસો પછી, યુનાઈટેડ કેપિટલ પાર્ટનર્સે VKની 48% ઈક્વિટી ખરીદી. જાન્યુઆરી 2014માં પાવેલે તેના બાકીના 12% શેર Mail.ru ને વેચ્યા અને CEO તરીકે રાજીનામું આપ્યા પછી રશિયા છોડી દીધું.

રશિયા છોડ્યા પછી તેણે શુગર ઇન્ડસ્ટ્રી ડાઇવર્સિફિકેશન ફાઉન્ડેશનને $250,000 દાન કરીને સેન્ટ કિટ્સ અને નેવિસની નાગરિકતા લીધી. આ સાથે સ્વિસ બેંકોમાં $300 મિલિયન રોકડ જમા કરવામાં આવી હતી.


VK કંપનીમાં ચાલી રહેલા વિવાદ દરમિયાન પાવેલે ટેલિગ્રામ તૈયાર કર્યુ હતું. એ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમ તરીકે શરૂ થયું. એની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે તેઓ રશિયન સુરક્ષા એજન્સીની જાસૂસી કર્યા વિના એકબીજા સાથે વાત કરી શકે.

ટેલિગ્રામ iOS માટે 14 ઓગસ્ટ 2013ના રોજ અને Android માટે 20 ઓક્ટોબર 2013ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ માટેનું ભંડોળ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોવેલ દ્વારા આપવામાં આવ્યું હતું. અગાઉની કંપનીના શેર વેચવાથી મળેલાં તમામ નાણાં ટેલિગ્રામમાં રોકાણ કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ નિકોલાઈએ કોડિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ઑક્ટોબર 2013 સુધીમાં, એપ્લિકેશનના 1 લાખ ડેલી એક્ટિવ યુઝર હતા. માર્ચ 2014 સુધીમાં ટેલિગ્રામ 3.5 કરોડ માસિક અને 1.5 કરોડ ડેલી એક્ટિવ યુઝર હતા. 2016 સુધીમાં એપ્લિકેશન પર દરરોજ 1500 કરોડ મેસેજ ફ્લો થવા લાગ્યા.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રશિયા છોડ્યા પછી શરૂઆતનાં કેટલાંક વર્ષોમાં પાવેલ તેના 15 કર્મચારી સાથે ઘણા દેશોમાં ફર્યો હતો. એ બાદ તેણે 2017માં દુબઈમાં તેનું હેડક્વાર્ટર સ્થાપ્યું. LinkedIn પર ટેલિગ્રામના ઓફિશિયલ પેજ મુજબ, કંપનીમાં હજુ પણ 50થી ઓછા કર્મચારીઓ છે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ISISના સભ્યોએ 2015ના પેરિસ હુમલા માટે પ્રચાર ફેલાવવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કર્યો હતો. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં પોવેલે કહ્યું હતું કે 'મને લાગે છે કે આતંકવાદ જેવી ખરાબ ઘટનાઓના ડર કરતાં ગોપનીયતાનો અધિકાર વધુ મહત્ત્વપૂર્ણ છે.'

ઓક્ટોબર 2015 સુધીમાં ISISની ચેનલ પર 9 હજાર ફોલોઅર્સ થઈ ગયા હતા. નવેમ્બર 2015માં ટેલિગ્રામે ISIS પ્રચાર-પ્રસાર કરવા માટે ઉપયોગમાં લેવાતી 78 જાહેર ચેનલને બ્લોક કરી હતી.


જાન્યુઆરી 2021માં વ્હોટ્સએપે તેની પ્રાઈવેસી પોલિસીમાં મોટો ફેરફાર કર્યો અને યુઝર્સને તેની પેરેન્ટ કંપની ફેસબુક સાથે ડેટા શેર કરવાની મંજૂરી માગી. એ બાદ પ્રાઈવસીને લઈને ચર્ચા શરૂ થઈ હતી. આનો ફાયદો ટેલિગ્રામને મળ્યો.

ઓગસ્ટ 2021 સુધીમાં ટેલિગ્રામના વિશ્વભરમાં 100 કરોડ ડાઉનલોડ થયા હતા. જૂન 2022માં ટેલિગ્રામે 70 કરોડ મંથલી યુઝર્સનો આંકડો પાર કર્યો. જુલાઈ 2023 સુધીમાં ટેલિગ્રામે રશિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. ડિસેમ્બર 2023 સુધીમાં ટેલિગ્રામનો રશિયામાં 46.8% માર્કેટ શેર હતા.


કંપની લોન્ચ થયાનાં લગભગ 7 વર્ષ પછી, એટલે કે 2020 સુધી કંપની કોઈ નફો કરી શકી ન હતી. એમ છતાં કંપનીએ તેની સર્વિસમાં ઘટાડો થવા દીધો નથી. કંપનીએ 2022માં પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી. એક મહિનાની અંદર 1 લાખથી વધુ લોકોએ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લીધું. ત્યારથી કંપનીની આવકમાં તેજી આવી.

કંપનીના સ્થાપક પાવેલે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ટેલિગ્રામ આવતા વર્ષ સુધી પ્રોફિટેબલ બની જશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓએ ટેલિગ્રામને ખરીદવા માટે 25 હજાર કરોડ રૂપિયા સુધીની વેલ્યુએશન લગાવી હતી, પરંતુ તેમણે કંપનીને વેચવાનો ઇનકાર કર્યો હતો. કંપનીની વર્તમાન આવક 600 કરોડ રૂપિયાની આસપાસ છે.