અપડેટ@દેશ: ખાલિસ્તાનના સમર્થનમાં હોર્ડિંગ્સ અને બેનરો હટાવવાનો સરકારે આદેશ આપ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત-કેનેડા વિવાદ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદીઓને લઈને ભારત સરકારના દબાણની અસર કેનેડા પર દેખાઇ રહી છે. કેનેડા સરકારે ખાલિસ્તાની સમર્થકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.ખાલિસ્તાનના સમર્થનમાં હોર્ડિંગ્સ અને બેનરો હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.બ્રિટિશ કોલંબિયામાં અનેક વિસ્તારોમાં ખાલિસ્તાનના સમર્થનના હોર્ડિંગ્સ-બેનરો હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાની સમર્થકોએ તેમના પ્રચારને લઇ અનેક જગ્યા પર પોસ્ટર લગાવ્યા હતા.જેને ઉતારી લેવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને બ્રિટિશ કોલંબિયાના મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા. આ સિવાય કેનેડાએ US બોર્ડર પર રહેતા ખાલિસ્તાન તરફી સંગઠનોને પણ આ જ રીતે તેમની પ્રચાર પોસ્ટરો હટાવવાની સૂચના આપી છે.
ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ છે. નિજ્જર કોઈ ધાર્મિક અને સામાજિક વ્યક્તિ ન હતો, પરંતુ એક આતંકવાદી હતો, જે આતંકવાદી તાલીમ શિબિરો ચલાવવા અને આતંકવાદી કૃત્યોને નાણાં પૂરા પાડવામાં સામેલ હતો. હરદીપ સિંહ નિજ્જર ગુરદીપ સિંહ ઉર્ફે દીપા હેરાનવાલાનો નજીકનો સાથી હતો. હેરાનવાલા 1980 ના દાયકાના અંતમાં અને 1990 ના દાયકાની શરૂઆતમાં પંજાબમાં લગભગ 200 લોકોની હત્યામાં સામેલ હતો.