અપડેટ@દેશ: આજે ભારત બંધ, SC-ST અનામતમાં ક્રીમીલેયરનો વિરોધ

બિહારમાં ટ્રેન રોકી દેવાઈ

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અનામતના કારણે બંધનું એલાન કરવામાં આવ્યું છે. બિહારમાં ટ્રેનો રોકી દેવાઈ છે. શાળાઓ, કોલેજોમાં રાજા જાહેર કરી દેવામાં આવી છે. SC-ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે (21 ઓગસ્ટ) 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલારૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે.

નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) એ કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે. તેમજ તેને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું છે. જેએમએમએ તેના તમામ નેતાઓ, જિલ્લા પ્રમુખો, સચિવો અને જિલ્લા સંયોજકોને આ હડતાળમાં ભાગ લેવા જણાવ્યું છે.

ભારત બંધ પર પક્ષોએ શું કહ્યું?

  • જેએમએમના જનરલ સેક્રેટરી વિનોદ કુમાર પાંડેએ કહ્યું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત પર સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય SC-ST વર્ગોના ઉત્થાન અને મજબૂતીકરણના માર્ગમાં અવરોધરૂપ સાબિત થશે.
  • આરજેડીના રાજ્ય મહાસચિવ કૈલાશ યાદવે કહ્યું કે પાર્ટીએ તેનું સમર્થન વધારવા અને એક દિવસીય હડતાળમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.
  • કોંગ્રેસ પ્રવક્તા રાકેશ સિન્હાએ કહ્યું કે પાર્ટીએ પણ બંધના એલાનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે દલિત અને આદિવાસી સંગઠનોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણની માગ કરી છે.


NACDAOR SC-ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચના નિર્ણયના વિરોધમાં છે. સંગઠનનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય સીમાચિહ્નરૂપ ઈન્દિરા સાહની કેસમાં નવ ન્યાયાધીશોની બેન્ચના અગાઉના નિર્ણયને નબળો પાડે છે, જેણે ભારતમાં અનામત માટે માળખું સ્થાપિત કર્યું હતું. હાલના નિર્ણયથી SC-STના બંધારણીય અધિકારો પર ખતરો છે.


સુપ્રીમ કોર્ટે ગુરુવારે (1 ઓગસ્ટ) આ સંદર્ભમાં મોટો નિર્ણય સંભળાવ્યો હતો. રાજ્ય સરકારો હવે અનુસૂચિત જાતિ એટલે કે SC ને અનામતમાં ક્વોટા આપી શકશે. કોર્ટે પોતાના જ 20 વર્ષ જૂના નિર્ણયને પલટી નાખ્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે અનુસૂચિત જાતિઓ પોતાનામાં એક જૂથ છે, તેમાં સમાવિષ્ટ જાતિઓના આધારે વધુ વિભાજન કરી શકાય નહીં.

કોર્ટે પોતાના નવા નિર્ણયમાં રાજ્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારો મનસ્વી રીતે નિર્ણય લઈ શકે નહીં. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેંચનો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિને તેમાં સમાવિષ્ટ જાતિઓના આધારે વિભાજીત કરવી બંધારણની કલમ 341ની વિરુદ્ધ નથી.


અનુસૂચિત જાતિ-જનજાતિ (SC-ST) અનામતમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે પણ રાજસ્થાનમાં બંધને સમર્થન આપ્યું છે. જિલ્લા કલેક્ટરે રાજ્યના 16 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી છે.


અનામતને લઈને દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આરજેડીએ બિહારમાં બંધને સમર્થન આપ્યું છે. આ દરમિયાન હિંસક પ્રદર્શન થવાની સંભાવના છે. તે જ સમયે, બંધની વચ્ચે, આજે કોન્સ્ટેબલની ભરતીના ચોથા તબક્કા માટે પણ પરીક્ષા છે. આ સ્થિતિમાં કોન્સ્ટેબલની ભરતી માટે 3 લાખ ઉમેદવારોની સાથે સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.