અપડેટ@પાકિસ્તાન: 3 આતંકવાદી હુમલામાં 39 લોકોનાં મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર હુમલાના કેટલાક બનાવો સામે આવતા હોય છે. પાકિસ્તાનમાં રવિવારે મોડી રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ 39 લોકોની હત્યા કરી હતી. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, બલૂચિસ્તાનમાં હુમલાખોરોએ હાઈવે, પોલીસ સ્ટેશન અને પાકિસ્તાન અને ઈરાન વચ્ચેની રેલવે લાઈનને પણ નિશાન બનાવી હતી.
હુમલાખોરોએ પહેલા બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં એક હાઇવે બ્લોક કર્યો હતો. હુમલાખોરોએ તેમના આઈડી કાર્ડ ચેક કરવાના નામે એક પછી એક 23 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. મૃત્યુ પામેલા તમામ લોકો મુસાફરો હતા. આ પછી રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા.
જ્યારે પોલીસ સ્ટેશનો પર થયેલા હુમલામાં સુરક્ષાકર્મીઓ સહિત 10 લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, આતંકવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ એક પત્રકારને ઈ-મેલ કરીને હુમલાની જવાબદારી લીધી છે. રેડિયો પાકિસ્તાન અનુસાર જવાબી કાર્યવાહીમાં 12 BLA લડવૈયાઓ માર્યા ગયા છે.
પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, હાઈવે પર માર્યા ગયેલા 23 લોકોમાંથી 20 પંજાબના હતા, જ્યારે 3 બલૂચિસ્તાનના હતા. મુસાખેલ પોલીસ અધિકારી નજીબ કાકરે જણાવ્યું કે બંદૂકધારીઓએ રારાશમ વિસ્તારમાં હાઇવે બંધ કરી દીધો હતો અને આવતા-જતા વાહનોની પૂછપરછ કરી રહ્યા હતા. ઘટના બાદ તેઓએ 12 વાહનોને આગ ચાંપી દીધી હતી અને પહાડી રસ્તેથી ભાગી ગયા હતા.
મુસાખેલના વરિષ્ઠ એસપી અયુબ ખોસોએ કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠને આ ઘટનાને અંજામ આપ્યો છે. જોકે, તેણે તેની ઓળખ જાહેર કરી ન હતી. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે લોકોને તેમની જાતિની ઓળખ જાણ્યા પછી મારી નાખવામાં આવ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર આતંકવાદીઓને કડક સજા આપવામાં આવશે. દેશમાં કોઈપણ પ્રકારના આતંકવાદને સાંખી લેવામાં આવશે નહીં.
રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પણ આતંકવાદની આ ઘટનાની નિંદા કરી છે. બુગતીએ કહ્યું કે, બલૂચિસ્તાન સરકાર આતંકવાદીઓનો પીછો કરશે.