અપડેટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે, રોડ શો કરી અને રામલલ્લાને ધર્મધ્વજા અર્પણ કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોચ્યાછે.અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના 673 દિવસ પછી PM નરેન્દ્ર મોદી પહેલીવાર આજે ધ્વજારોહણ કરશે. સાડા 12 વાગ્યે મોદીના એક બટન દબાવતા જ 2 કિલોની કેસરિયા ધ્વજા મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર ફરકવા લાગશે. આ પછી રામ મંદિરને પૂર્ણ માનવામાં આવશે. આ દરમિયાન 7 હજાર લોકો હાજર રહેશે.
આ પહેલા PM મોદી 1.5 કિમીનો રોડ શો કરશે. સાકેત કોલેજથી શ્રીરામ જન્મભૂમિ મંદિર સુધી ભવ્ય રોડ શો થશે. રોડ શોમાં 1 કિમી લાંબા રામપથને 8 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં સ્વયં સહાયતા જૂથની મહિલાઓ PMનું સ્વાગત કરશે. તેમના હાથમાં પરંપરાગત થાળી, આરતી અને ફૂલ-માળાઓ હશે.
અયોધ્યા શહેરને 1000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. CM યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ સોમવારે રામ મંદિર પહોંચી ચૂક્યા છે. મંદિરના આ આયોજનમાં 1 હજાર VVIP મહેમાનો છે. તેમાં ઉદ્યોગ, રમતગમત, સાહિત્ય અને બોલિવૂડ જગતના લોકો શામેલ છે.
આ ઉપરાંત રામ મંદિર નિર્માણમાં 2 કરોડથી વધુનું દાન આપનાર 100 દાતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જોકે, શંકરાચાર્યોને આમંત્રિત કરવામાં આવ્યા નથી. અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદને પણ આમંત્રણ મળ્યું નથી. તેમણે કહ્યું-મને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો નથી. જો બોલાવ્યો હોત તો હું ઉઘાડા પગે દોડીને જાત.
મંદિર પર લાગનારી ધર્મધ્વજાને ભયાનક તોફાનમાં પણ કોઈ નુકસાન થશે નહીં અને હવાની દિશા બદલાતા તે ગૂંચવાયા વિના પલટાઈ જશે. તેના દંડ પર 21 કિલો સોનું મઢવામાં આવ્યું છે. આ ધ્વજાને 4 કિમી દૂરથી જોઈ શકાશે.

