અપડેટ@રાજસ્થાન: આદિવાસી ગર્ભવતી મહિલાને કથિત રીતે નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી

મણિપુર જેવી જ એક ચૌકાવનારી ઘટના બની 
 
અપડેટ@રાજસ્થાન: આદિવાસી ગર્ભવતી મહિલાને કથિત રીતે નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મણિપુર જેવી જ એક ચૌકાવનારી ઘટના બની છે રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના એક ગામમાં જેમાં એક આદિવાસી ગર્ભવતી મહિલાને કથિત રીતે નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ ઘટના પર મુખ્યમંત્રી અશોક ગહેલોતે પોલીસ મહાનિર્દેશકને ગઈકાલે રાત્રે જ ઘટનાસ્થળ પ્રતાપગઢ જવાનો આદેશ કર્યો હતો.

આ ઘટના અંગે ધરિયાવદના પોલીસે જણાવ્યા મુજબ ગુરુવારે 21 વર્ષિય ગર્ભવતી મહિલાને તેના પૂર્વ પતિ અને સાસરિયાવાળાએ નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી હતી. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં મહિલાના પૂર્વ પતિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના લોકોની તપાસ ચાલુ છે. પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ ગઈકાલે રાત્રે કહ્યું હતું કે રાજ્ય સરકારે ઘટનાને ખુબ જ ગંભીરતાથી લઈને એડીજીને પ્રતાપગઢ મોકલવામાં આવ્યા છે.

આ ઘટનામાં આરોપીઓની ધરપકડ માટે છ ટીમોની રચના કરવામાં આવી છે. પ્રતાપગઢ પોલીસ અધિક્ષક અમિત કુમારે ગામમાં કેંપ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ગેહલોતે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે ગર્ભવતી મહિલાને નિર્વસ્ત્ર કરવાનો વીડિયો સામે આવ્યો છે, આવી ઘટનાઓનું સભ્ય સમાજમાં કોઈ સ્થાન હોતું નથી, તેમણે વધુમાં કહ્યું હતું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને તેઓનો સજા દેવડાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. આ સાથે જ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી વશુંધરા રાજેએ આ ઘટના અંગે સરકારની આલોચના કરતા કહ્યું હતું કે લોકોની સામે એક મહિલાને નિર્વસ્ત્ર કરીને પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો છે પરંતુ પ્રશાસનને તેની જાણકારી થઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટનાએ રાજસ્થાનને શર્મસાર કરી દીધુ છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લોકોને આ વીડિયોને સોશ્યલ મીડિયા પર અપલોડ ન કરવાની પણ અપીલ કરી હતી.