અપડેટ@વર્લ્ડ: કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ, 13 લોકોના મોત

આ ઉપરાંત 66 લોકો ઘાયલ થયા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના LNG કોમ્પ્લેક્સમાં ગઇકાલે સાંજે વિસ્ફોટ થયો હતો. જેમાં 13 લોકોના મોત થયા છે, જેમાં 12 ભારતીય છે. આ ઉપરાંત 66 લોકો ઘાયલ થયા છે.

ઉર્જા મંત્રીએ કહ્યું કે આ એક અકસ્માત હતો. તેમાં કોઈ ષડયંત્ર કે જાણી જોઈને કરવામાં આવેલી હરકતના સંકેત મળ્યા નથી. તેમના મતે, જરૂરી સમારકામના કારણે ડિસેમ્બર 2025 થી પ્લાન્ટનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ હતું અને તેને માત્ર બે દિવસ પહેલાં જ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઊર્જા મંત્રીના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે ઓપરેશન શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન બરજાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટીમાં વિસ્ફોટ અને આગ લાગી હતી. આપત્કાલીન ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી અને હવે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

રોઇટર્સ અનુસાર, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ રાજધાની દોહા સુધી સંભળાયો. 70 કિલોમીટર દૂર રહેતા લોકો પણ ગભરાઈ ગયા. જોકે, ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યું કે આ દુર્ઘટનાથી પર્યાવરણને કોઈ ખતરો નથી અને કતારથી ગેસનો પુરવઠો પણ ચાલુ રહેશે.

જ્યાં દુર્ઘટના થઈ, તે બરજાન ગેસ પ્લાન્ટ કતારના સૌથી મોટા ગેસ હબ રાસ લાફાનનો એક ભાગ છે. આ જ વિસ્તારમાંથી વિશ્વના ઘણા દેશોને ગેસ મોકલવામાં આવે છે. અહીંથી ઘરેલું વીજળી પ્લાન્ટો અને ઉદ્યોગોને પણ ગેસ સપ્લાય થાય છે.

દોહા સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તે કતારના અધિકારીઓના સતત સંપર્કમાં છે અને મૃતકો તથા ઘાયલોના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. દૂતાવાસે +974-55647502 અને +975-55384683 હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

આ ઉપરાંત cons.doha@mea.gov.in ઇમેઇલ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે. આ પહેલા દૂતાવાસે જણાવ્યું હતું કે ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકો ગુમ છે.