અપડેટ@વર્લ્ડ: વેનેઝુએલામાં 39 સેકન્ડમાં 2 શક્તિશાળી ભૂકંપથી તબાહી, 164 મૃત્યુની પુષ્ટિ

જ્યારે 971લોકો ઘાયલ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વેનેઝુએલામાં 39 સેકન્ડમાં 2 શક્તિશાળી ભૂકંપથી તબાહી મચી ગઈ છે. દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે 6.04 વાગ્યે 7.2 અને 6.05 વાગ્યે 7.5 તીવ્રતાના બે આંચકા આવ્યા. તે સમયે ભારતમાં ગુરુવારે વહેલી સવારે 3.34 અને 3.35 વાગ્યા હતા.

લોકોએ જણાવ્યું કે ભૂકંપ પછી 60 સેકન્ડ સુધી શહેર ધ્રૂજતું રહ્યું. 20 આફ્ટરશોક પણ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી AP અનુસાર, અત્યાર સુધીમાં 164 મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે 971 ઘાયલ છે.

આ ભૂકંપ એવા દિવસે આવ્યા, જ્યારે આખા દેશમાં રાષ્ટ્રીય રજા હતી. 1821માં સ્પેન વિરુદ્ધ આઝાદીની લડાઈની ઐતિહાસિક જીતની વર્ષગાંઠ પર શાળાઓ અને ઓફિસો બંધ હતી. આ જ કારણે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં હાજર હતા.અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપથી 10 હજારથી વધુ લોકોના મોત થવાની 44% શક્યતા છે. જ્યારે, એક લાખ લોકોના જીવ ગુમાવવાની 30% શક્યતા પણ છે.

બંને ભૂકંપ રાજધાની કરાકસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા. કરાકસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. જોકે, હજુ સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.

સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો. આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે, આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.