અપડેટ@વર્લ્ડ: ભારતીય યાત્રાળુઓથી ભરેલી બસ અચાનક ખીણમાં પડી, 7 લોકોના મોત, જાણો સમગ્ર દુર્ઘટના વિશે

યાત્રાળુઓ મનાકામના મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નેપાળમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. નેપાળના ગંડકી પ્રાંતના ગોરખા જિલ્લામાં શનિવારે રાત્રે ભારતીય યાત્રાળુઓથી ભરેલી એક બસ ખીણમાં પડી ગઈ. તેમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 7 ઘાયલ છે. યાત્રાળુઓ મનાકામના મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓને લઈ જતી એક બસ મનાકામના મંદિરથી પરત ફરી રહી હતી, ત્યારે રસ્તા પરથી સરકીને 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

અકસ્માતમાં ઘાયલ 7 યાત્રાળુઓને ભરતપુર સ્થિત ચિતવન મેડિકલ કોલેજમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં એક ડઝનથી વધુ યાત્રાળુઓ સવાર હતા.

પ્રશાસન અનુસાર, બસ મનાકામના મંદિરથી તનહુન જિલ્લાના અંબુખૈરેની વિસ્તાર તરફ જઈ રહી હતી. ઘટના બાદ મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી. પોલીસે જણાવ્યું કે અકસ્માતના અન્ય કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગોરખા જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી સૂરજ આર્યલે જણાવ્યું કે મૃતકોમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. બધા ભારતીય નાગરિક હતા.

જિલ્લા પોલીસ પ્રમુખ ભરત બહાદુર બીકે મુજબ મૃતકોની ઓળખ મુથુ કુમાર (58), અનામાલિક (58), મીનાક્ષી (59), શિવગામી (53), વિજયલ (57), મીના (58) અને તમિલરસી (60) તરીકે થઈ છે.

હિમાલયન ટાઈમ્સ અનુસાર, ઇલેક્ટ્રિક બસનો ડ્રાઈવર સુરક્ષિત બચી ગયો, જ્યારે તેનો આસીસ્ટન્ટ આ અકસ્માતમાં ઘાયલ થયો છે.